કોલકાતા: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ સાતમાંથી છ મૅચ હારી છે એટલે હવે સાત લીગ મૅચવાળા શરૂ થઈ રહેલા બીજા રાઉન્ડમાં એને એક પણ પરાજય પરવડશે નહીં. જોકે રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) ફાફ ડુ પ્લેસીના સુકાનમાં બેન્ગલૂરુની ટીમે પૉઇન્ટ્સ-ટેબલના બીજા નંબરના કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે તેમના જ ઈડન ગાર્ડન્સમાં ટકરાવાનું હોવાથી બેન્ગલૂરુ માટે જીતવું ખૂબ અઘરું તો છે જ.
ટૂંકમાં લાગલગાટ પાંચ મૅચ હારી ચૂકેલી તળિયાની ટીમે સેક્ધડ-બેસ્ટ ટીમ સાથે ટક્કર લેવાની છે. આ મૅચમાં પણ પરાજિત થશે તો બેન્ગલૂરુની ટીમ એક્ઝિટની લગોલગ પહોંચી જશે.
નબળી બોલિંગને કારણે આ વખતે પણ ટ્રોફીની જીતવાની બેન્ગલૂરુની આશા ફળીભૂત નહીં થાય. આ ટીમ મોટા ભાગે બૅટિંગની તાકાત પર જ આધાર રાખતી આવી છે અને એમાં પણ ખાસ કરીને વિરાટ કોહલી (હાઈએસ્ટ 361 રન), કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (232 રન) અને દિનેશ કાર્તિક (226 રન) પર મદાર રખાયો છે. ગ્લેન મૅક્સવેલે હાલમાં આઇપીએલમાંથી બ્રેક લઈ લીધો છે.
બૅન્ગલૂરુની ટીમ હજી હાલમાં જ હૈદરાબાદની ટીમને 287/3નો આઇપીએલ-રેકૉર્ડ આપીને કોલકાતા આવી છે એટલે બેન્ગલૂરુના મનમાંથી એ આઘાત હજી ઓસર્યો નહીં હોય અને એવામાં તેમણે રિન્કુ સિંહ, સુનીલ નારાયણ, ફિલ સૉલ્ટ, અંગક્રિશ રઘુવંશી, કૅપ્ટન શ્રેયસ ઐયર, શેરફેન રુધરફર્ડ, આન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયરની ફટકાબાજીનો સામનો કરવાનો છે.
વિરાટ કોહલીનો કોલકાતાના ફાસ્ટ બોલર અને આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘા (24.75 કરોડ રૂપિયાના) ખેલાડી મિચલ સ્ટાર્ક સામે બહુ સારો રેકૉર્ડ છે. કોહલીએ તેના 45 બૉલમાં 80 રન બનાવ્યા છે અને તેની સામે ક્યારેય આઉટ નથી થયો. જોકે સ્ટાર્ક મોકો મળશે તો કોહલીને મુસીબતમાં મૂકવા કોઈ કસર નહીં છોડે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
બેન્ગલૂરુ: ફાફ ડુ પ્લેસી (કૅપ્ટન), વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિલ જૅક્સ, રજત પાટીદાર, સૌરવ ચૌહાણ, મહિપાલ લૉમરૉર, અનુજ રાવત (વિકેટકીપર), વિજયકુમાર વૈશાક, રીસ ટૉપ્લી અને લૉકી ફર્ગ્યુસન. 12મો પ્લેયર: મયંક ડાગર/યશ દયાલ
કોલકાતા: શ્રેયસ ઐયર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, મિચલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા. 12મો પ્લેયર: સુયશ શર્મા/વૈભવ અરોરા.