બેન સ્ટૉકસે વર્લ્ડ ચેમ્પિયનપદની ઍનિવર્સરીના જ દિવસે ઇંગ્લૅન્ડને જિતાડ્યું
જાડેજા બાપુની અભૂતપૂર્વ લડત પાણીમાં: 23મીથી ચોથી ટેસ્ટ

લંડનઃ અહીં લૉર્ડ્સમાં સોમવારે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે રવીન્દ્ર જાડેજા (61 અણનમ, 266 મિનિટ, 181 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ બ્રિટિશ ટીમને એકલે હાથે અભૂતપૂર્વ લડત આપી હતી, પરંતુ છેવટે ભારતનો માત્ર બાવીસ રનથી પરાજય થતાં તેની બધી મહેનત એળે ગઈ હતી. હવે આઠ દિવસના લાંબા અંતર બાદ (23મી જુલાઈથી) મૅન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ રમાશે.
We feel you, skipper
— England Cricket (@englandcricket) July 14, 2025
That was something else pic.twitter.com/4pw5D0FPdk
છ વર્ષ પહેલાં લોર્ડસમાં જ આ જ તારીખે (2019ની 14મી જુલાઈએ) અભૂતપૂર્વ બે ટાઈવાળી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં બેન સ્ટૉકસે ઇંગ્લેન્ડને ન્યૂ ઝીલૅન્ડ સામે રોમાંચક વિજય અપાવ્યો હતો. સોમવારે પણ 14મી જુલાઈ હતી અને કેપ્ટન બેન સ્ટૉકસે સુપર પર્ફોર્મન્સ (44 રન, બે વિકેટ, પંતને રનઆઉટ, 33 રન, ત્રણ વિકેટ)થી બ્રિટિશ ટીમને ભારત સામેની ટેસ્ટમાં રસાકસી બાદ વિજય અપાવ્યો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. 2019ની વર્લ્ડ કપની જીતમાં સુપર ઓવર કરનાર જોફ્રા આર્ચરનું પણ આ વખતે ભારત સામેની ટેસ્ટમાં મોટું યોગદાન (પહેલા દાવમાં બે વિકેટ અને બીજા દાવમાં ત્રણ વિકેટ) હતું.
ઉલ્લેખનીય છે કે 2019માં ઓઈન મોર્ગનના સુકાનમાં ઇંગ્લૅન્ડનો વિજય થતાં સટ્ટા બજારના અનેક પન્ટરો અને નાના બુકીઓ નાણાકીય સુનામીમાં ડૂબી ગયા હતા.
Jofra at Lord's 14th July
— England Cricket (@englandcricket) July 14, 2025
14.7.19 – Epic World Cup win
14.7.25 – Epic Test win pic.twitter.com/omLPqWu07u
સોમવારે 193 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 170 રન પર ઑલઆઉટ થઈ હતી અને ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં 2-1થી સરસાઈ લીધી હતી.
જાડેજા (Ravindra Jadeja)ને કે. એલ. રાહુલ (58 બૉલમાં 39 રન), નીતીશ કુમાર રેડ્ડી (53 બૉલમાં 13 રન), જસપ્રીત બુમરાહ (54 બૉલમાં પાંચ રન) અને મોહમ્મદ સિરાજ (30 બૉલમાં ચાર રન)નો સારો સાથ મળ્યો હતો અને એમાં બુમરાહ સાથે જાડેજાની (132 બૉલમાં 35 રનની) સૌથી સારી ભાગીદારી થઈ હતી. સિરાજ સાથે પણ જાડેજાની ખૂબ સારી (80 બૉલમાં 23 રનની) પાર્ટનરશિપ થઈ હતી. નીતીશ સાથે જાડેજાની (91 બૉલમાં 30 રનની) ભાગીદારી થઈ હતી. આ બધી ભાગીદારીઓમાં જાડેજા બ્રિટિશ બોલર્સના આતંક સામે યોદ્ધાની જેમ લડ્યો હતો અને પોતે અપરાજિત રહ્યો હતો, પણ ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. જાડેજાએ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.
ઈજાગ્રસ્ત સ્પિનર શોએબ બશીરે સિરાજની છેલ્લી સ્ટમ્પ્સમાં જઈ વિકેટ લીધી હતી. એની થોડી ક્ષણો પહેલાં સિરાજને જોફ્રા આર્ચરના બાઉન્સરમાં બૉલ ખભા પર વાગ્યો હતો. એ સાથે બ્રિટિશરો તેની એકાગ્રતા તોડવામાં સફળ રહ્યા હતા, કારણકે થોડી વાર પછી સિરાજે વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત 1932માં લૉર્ડ્સ (LORD’S)થી જ કરી હતી અને આ ઐતિહાસિક સ્થળે ભારતને ચોથી વાર ટેસ્ટમાં વિજય મેળવવાની અમૂલ્ય તક મળી, પરંતુ જાડેજાની નજર સામે એક પછી એક બૅટ્સમૅને વિકેટ ગુમાવી દેતાં ટીમ પરાજિત થઈ હતી. રિષભ પંત (12 બૉલમાં નવ રન), કે. એલ. રાહુલ (58 બૉલમાં 39 રન) અને ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (શૂન્ય) પહેલા એક કલાકમાં જ આઉટ થઈ ગયા હતા. લડાયક વૃત્તિના જાડેજાએ ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સની 48મી ઓવરમાં છગ્ગો ફટકારીને તાકાત બતાવી આપી હતી. જાડેજા લગભગ દરેક ઓવરને અંતે સ્ટ્રાઇક પોતાની પાસે રાખવામાં સફળ થયો હતો અને છેવટે અણનમ રહ્યો હતો.
પંતને ડાબા હાથની પહેલી આંગળીમાં ખૂબ દુખાવો છે. જ્યારે પણ બૉલ તેના બૅટને લાગતો હતો ત્યારે તેને આંગળીમાં દુખાવો થતો હતો. પંત આંગળીની ઈજા છતાં મિશન પૂરું કરાવવા આવી તો ગયો અને તેણે એક હાથે ફોર ફટકારીને બ્રિટિશરોને ચેતવી દીધા હતા, પણ નવ રન બનાવીને આર્ચરના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. પંત ચોથી ટેસ્ટમાં રમશે કે કેમ એમાં શંકા છે.
આપણ વાંચો: ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ; વેસ્ટ ઇન્ડિઝ માત્ર 27 રનમાં ઓલઆઉટ, આ રેકોર્ડ્સ તૂટ્યા
ચાર વર્ષે ટેસ્ટમાં કમબૅક કરનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ત્રણ તેમ જ કૅપ્ટન બેન સ્ટૉક્સે પણ ત્રણ, બ્રાયડન કાર્સે બે તેમ જ બશીર-વૉક્સે એક-એક વિકેટ લીધી હતી.
2019ના વર્લ્ડ કપની જેમ સોમવારે પણ બેન સ્ટૉક્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. જોકે ખરેખર તો સોમવારે ભારત હારવા છતાં જાડેજા આ મૅચનો સુપરહીરો હતો.