સ્પોર્ટસ

ટેસ્ટ ખેલાડી માટે બીસીસીઆઇની છૂટા હાથે લહાણી

મૅચ-ફીમાં 300 ટકાનો વધારો: સૌથી લાંબા ફૉર્મેટ પ્રત્યેનું પ્લેયરોનું આકર્ષણ વધારવા બીસીસીઆઇએ જાહેર કરી નવી સ્કીમ: પૂજારાને મળશે એક કરોડને બદલે ચાર કરોડ રૂપિયા

મુંબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ઇન્ડિયા (બીસીસીઆઇ) હંમેશા ક્રિકેટની રમતને વધુ આકર્ષક અને સ્પર્ધાત્મક તેમ જ વ્યવહારુ બનાવવા પગલાં લેતું જ હોય છે, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટના ભાવિને સુરક્ષિત તથા મજબૂત બનાવવા પણ નિર્ણયો લેતું હોય છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે શનિવારે એવા જ એક મહત્ત્વના નિર્ણયમાં ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે ખેલાડીઓનું આકર્ષણ વધારવા ‘ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ’ની જાહેરાત કરી હતી.

આ અનોખી યોજના મુજબ જે ભારતીય ખેલાડી એક સીઝન દરમ્યાન 75 ટકા કે એનાથી પણ વધુ ટેસ્ટ મૅચો રમશે તેની મૅચ-ફીમાં 300 ટકાનો વધારો કરાશે.

એવું મનાય છે કે આ પગલું અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની નૅશનલ સિલેક્શન કમિટીએ કરેલી ભલામણ બાદ લેવામાં આવ્યું છે. ક્રિકેટરો ટેસ્ટ-મૅચ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને વધુ મહત્ત્વ આપતા થાય એ હેતુથી પસંદગીકારોની સમિતિએ બોર્ડને આકર્ષક પગલું ભરવાની ભલામણ કરી હતી.

જય શાહે જાહેર કરેલી યોજના 2023-’23ની વીતેલી સીઝનથી લાગુ કરાશે. એનો અર્થ એ થયો કે એ સીઝનમાં ચેતેશ્ર્વર પૂજારા ભારતની નવમાંથી સાત ટેસ્ટમાં (77.7 ટકા મૅચમાં) રમ્યો હતો એટલે તેને એક ટેસ્ટની 15 લાખ રૂપિયાની રેગ્યુલર મૅચ-ફી (સાત મૅચના કુલ 105 લાખ રૂપિયા) ઉપરાંત પ્રત્યેક ટેસ્ટ-દીઠ બીજા 45 લાખ (સાત મૅચ બદલ વધારાના કુલ 315 લાખ રૂપિયા) આપવામાં આવશે. એ રીતે, પૂજારાને એ સીઝનમાં સાત ટેસ્ટ રમવા બદલ કુલ 420 લાખ રૂપિયા (4.20 કરોડ રૂપિયા) મળશે. એમાં બીજી કેટલીક સવલતોનો પણ સમાવેશ છે. જો બીસીસીઆઇના આ સ્કીમ જાહેર ન થઈ હોત તો પૂજારાને એ સીઝનમાં સાત ટેસ્ટ રમવાના માત્ર 105 લાખ રૂપિયા (1.05 કરોડ રૂપિયા) મળ્યા હોત.

જય શાહે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં આ મુજબ લખ્યું હતું, ‘સિનિયર પુરુષ ક્રિકેટરો માટે ‘ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ’ જાહેર કરતા હું આનંદ અનુભવી રહ્યો છું. આ નિર્ણય લેવા પાછળનો આશય આપણા માનવંતા ઍથ્લીટોને આર્થિક વૃદ્ધિ તથા આર્થિક સ્થિરતા પૂરી પાડવાનો છે. 2022-’23ની સીઝનથી લાગુ પડે એ રીતે શરૂ કરાઈ રહેલી આ સ્કીમમાં હાલની ટેસ્ટ મૅચ દીઠ 15 લાખ રૂપિયાની જે મૂળ સવલત છે એ ઉપરાંત વધારાની સવલતો આપવામાં આવશે.’


ભારતે શનિવારે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણી 4-1થી જીતી લીધી ત્યાર બાદ બીસીસીઆઇની આ નવી સ્કીમની જય શાહ દ્વારા જાહેરાત કરાઈ હતી.

નવી યોજના મુજબ, જે ખેલાડી એક સીઝનમાં ભારતની કુલ ટેસ્ટ મૅચોમાંથી 50થી 75 ટકા મૅચો રમશે તેને મૅચ દીઠ (રાબેતામુજબની મૅચ ફી ઉપરાંત) 30 લાખ રૂપિયા મળશે. જોકે જે પ્લેયર 50 ટકાથી ઓછી ટેસ્ટ રમ્યો હશે તે આ સ્કીમને પાત્ર નહીં બને.

બીસીસીઆઇની આ નવી યોજનાનો ખેલાડીઓને વાર્ષિક ધોરણે અપાતા લાખો રૂપિયાના પગાર સાથે કોઈ જ સંબંધ નથી. એ પગાર તેમને ગ્રેડ પ્રમાણે મળશે જ. ગયા વર્ષે ‘એ+’ ગ્રેટના પ્રત્યેક ખેલાડીને એક વર્ષનો સાત કરોડ રૂપિયાનો પગાર અપાયો હતો. ‘એ’ કૅટેગરીના દરેક પ્લેયરને પાંચ કરોડ રૂપિયા, ‘બી’ ગ્રેડના પ્લેયરને ત્રણ કરોડ રૂપિયા અને ‘સી’ ગ્રેડના પ્લેયરને એક કરોડ રૂપિયાનો પગાર અપાયો હતો. ‘એ+’ કૅટેગરીમાં વિરાટ, રોહિત, બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ છે.

બીસીસીઆઇની ખેલાડીઓ માટે વીમા કવર યોજના પણ છે જે મુજબ પ્લેયરની સર્જરી પાછળનો ખર્ચ તેમ જ તેને ઇજામુક્ત કરવા પાછળનો ખર્ચ બોર્ડ ઉઠાવે છે. પાંચ પ્લેયર બેન્ગલૂરુ ખાતેની નૅશનલ ઍકેડેમીની સગવડોનો લાભ લઈ શકે એ માટે બીસીસીઆઇએ તેમને ફાસ્ટ-બોલિંગ કૉન્ટ્રૅક્ટ આપ્યા છે. એ પાંચ નસીબવંતા ખેલાડીઓમાં આકાશ દીપ, વિજયકુમાર વૈશાક, ઉમરાન મલિક, વી. કેવરપ્પા અને યશ દયાલનો સમાવેશ છે.

ઇશાન કિશન અને શ્રેયસ ઐયરે રણજી ટ્રોફીની મૅચોમાં રમવાનું ટાળ્યું એને પગલે બીસીસીઆઇએ તાજેતરમાં જ દેશના તમામ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટને (ખાસ કરીને રણજી સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને) અગ્રતા આપવાનો આદેશ આપ્યો હતો. કિશન અને શ્રેયસને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની બહાર કરી નાખવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button