14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બીસીસીઆઇએ કેમ તાલીમ માટે તાબડતોબ બેંગલૂરુ બોલાવ્યો?

બેંગલૂરુઃ આઠમા ધોરણમાં ભણતા બિહારના 14 વર્ષીય લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)એ 2025ની આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સને 1.10 કરોડ રૂપિયાની ફીનાં બદલામાં 35 બૉલની સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરીના રેકૉર્ડ તેમ જ યંગેસ્ટ સેન્ચુરિયન બનવા સહિત ઘણું આપ્યું અને પછી તેણે ઇંગ્લૅન્ડ ખાતેના ઇન્ડિયા અન્ડર-19 ટીમના પ્રવાસમાં પણ ધમાકેદાર પર્ફોર્મન્સથી ક્રિકેટની દુનિયાને ચોંકાવી દીધી જેને પગલે હવે બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ સૂર્યવંશીને પ્રૅક્ટિસ (PRACTICE) માટે તાબડતોબ બેંગલૂરુ બોલાવ્યો છે.
એવું કહેવાય છે કે સૂર્યવંશીની આ પ્રૅક્ટિસ યુએઇમાં આગામી નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા ટી-20ના એશિયા કપ માટે નથી એવું મનાય છે. જોકે પીઢ ખેલાડીઓ ધીરે-ધીરે નિવૃત્તિ લઈ રહ્યા છે અને અમુક ખેલાડીઓ સતત સારા ફૉર્મમાં નથી જોવા મળી રહ્યા એટલે સૂર્યવંશીને સઘન પ્રૅક્ટિસ કરાવવાનું બોર્ડના મોવડીઓએ નક્કી કર્યું છે કે જેથી જ્યારે તાકીદે ભરોસાપાત્ર અને આક્રમક બૅટ્સમૅનની જરૂર પડે ત્યારે તેને ટીમમાં સમાવી શકાય.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટ છોડી દીધી એને પગલે શુભમન ગિલને ટેસ્ટ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો અને તેણે ઇંગ્લૅન્ડમાં સર્વોત્તમ બૅટિંગ પર્ફોર્મન્સમાં 754 રન કરવા ઉપરાંત કૅપ્ટનપદ પણ ખૂબ સારી રીતે સંભાળીને સિરીઝ 2-2 ડ્રૉ કરાવી હતી. ટીમમાં બીજા યુવાન ખેલાડીઓને પણ સમાવવાનો બીસીસીઆઇનો અભિગમ (Approach) રહ્યો છે.
આ પણ વાંચો…14 વર્ષના વૈભવ સૂર્યવંશીની PM Modi સાથે મુલાકાત, જાણો શું કર્યું?
એશિયા કપ માટેની ટીમની જાહેરાત થોડા જ દિવસમાં કરવામાં આવશે અને એ પહેલાં સૂર્યવંશીને બેંગલૂરુમાં અદ્યતન સુવિધાઓ ધરાવતા નવા સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઈ)માં ટ્રેઇનિંગ (Training) લેવા માટે બોલાવવામાં આવ્યો છે.
સૂર્યવંશી 10મી ઑગસ્ટે બેંગલૂરુ પહોંચ્યો ત્યારે તેને અમુક ખાસ પ્રકારની મૅચની પરિસ્થિતિમાં કેવી રીતે બૅટિંગ કરવી એની તેને સમજ આપવા ઉપરાંત ટેક્નિકલ ડ્રિલ્સને ધ્યાનમાં રાખીને પણ વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
સૂર્યવંશીના નાનપણના કોચ મનીષ ઓઝાએ એક મુલાકાતમાં કહ્યું છે કે ` પોતાની ઇનિંગ્સના પહેલા બૉલથી જ આક્રમક અભિગમ અપનાવીને બૅટિંગ કરવાની ક્ષમતા સૂર્યવંશીમાં છે. ટી-20 અને વન-ડે માટે આ અપ્રોચ સકારાત્મક મનાય છે. સૂર્યવંશીને જો ટેસ્ટમાં રમાડવામાં આવે તો મર્યાદિત ઓવર્સની મૅચોની તુલનામાં ટેસ્ટમાં તેનું સ્તર થોડું ઊતરી શકે. જોકે તેની 10માંથી 7-8 ઇનિંગ્સ પ્રભાવશાળી રહે એ રીતે અમે તેને તૈયાર કરવા માગીએ છીએ.’
આ પણ વાંચો…વૈભવ સૂર્યવંશી માટે દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ વોએ આપી સલાહ, નિયત્રંણ રાખવું પડશે