`પ્રૉજેક્ટ શુભમન ગિલ’ નિષ્ફળ જતાં ટી-20ની કૅપ્ટન્સીનો મુદ્દો પણ ગૂંચવાયો…

સૂર્યકુમાર વર્લ્ડ કપમાં પણ સારું નહીં રમે તો કોણ બનશે કૅપ્ટનઃ તલાશ શરૂ થશે
મુંબઈઃ શુભમન ગિલને ટેસ્ટ અને વન-ડે બાદ ટી-20 ટીમનો પણ કૅપ્ટન બનાવવાની બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની યોજના હતી, પણ ગિલ ટી-20માં સારી બૅટિંગ નથી કરી શક્તો અને વર્લ્ડ કપની ટીમમાં તેનો સમાવેશ પણ નથી કરાયો એટલે હમણાં તો કહી શકાય કે ગિલ વિશેનો ક્રિકેટ બોર્ડનો પ્રૉજેક્ટ નિષ્ફળ ગયો છે. બીજું, સૂર્યકુમાર યાદવ ટી-20 ટીમનો કૅપ્ટન છે, પરંતુ તેની બૅટિંગ પણ સારી નથી એટલે ભવિષ્યની રણનીતિ ધ્યાનમાં લઈએ તો વિશ્વ કપ પછી તેના સ્થાને કોને સુકાની બનાવાશે એ મોટો સવાલ છે.
ટૂંકમાં, શનિવારે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત થઈ એ સાથે ઘણા મુદ્દા ઉદ્ભવ્યા છે. સૂર્યકુમાર બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠો છે, પણ તે કૅપ્ટન્સી સંભાળશે. ગિલ (Shubman Gill)ની બાદબાકી થઈ જતાં અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન બનાવાયો છે. ગિલને બીસીસીઆઇ કદાચ ભવિષ્યમાં ત્રણેય ફૉર્મેટના કૅપ્ટન તરીકે જોવા માગતું હશે, પણ એ યોજના હમણાં બાજુ પર રહી ગઈ છે.

સૂર્યકુમાર જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પાંચ ટી-20માં અને ત્યાર બાદ ફેબ્રુઆરીના વર્લ્ડ કપમાં ટી-20 ટીમની કૅપ્ટન્સી સંભાળશે, પરંતુ જો આ બન્ને ઇવેન્ટમાં તેની બૅટિંગ સારી નહીં હોય અને ભારતીય ટીમ સારું રમવામાં નિષ્ફળ ગઈ હશે તો કૅપ્ટનપદે 30-પ્લસની ઉંમરવાળા સૂર્યાના સ્થાને બીજા કોઈને નિયુક્ત કરવામાં આવશે અને એની શોધ અત્યારથી જ થશે.
એશિયા કપ, 2025ની પહેલાં ભારતે અભિષેક શર્મા અને સંજુ સૅમસનની પોતાની જોડી તોડી હતી અને સૅમસનના સ્થાને ગિલને લાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગિલને વાઇસ-કૅપ્ટન પણ બનાવાયો હતો. જોકે તે સાઉથ આફ્રિકા સામે બૅટિંગમાં નિષ્ફળ જતાં સિલેક્ટરો, હેડ-કોચ ગૌતમ ગંભીર અને ટીમ-મૅનેજમેન્ટની ખૂબ ટીકા થવા લાગી હતી જેને પગલે ઈજાગ્રસ્ત ગિલના સ્થાને સૅમસનને પાછો ટીમમાં સામેલ કરી દેવાયો હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 પછી ટેસ્ટમાંથી પણ અકાળે નિવૃત્તિ લઈ લીધી ત્યાર બાદ આગરકર ઍન્ડ કંપનીનો દૃષ્ટિકોણ એવો હશે કે ગિલને લીધે એકંદરે ટીમ ઇન્ડિયા ફરી સ્થિરતા હાંસલ કરશે, પણ એનાથી ઊલટું બન્યું. ગિલ બૅટિંગમાં નિષ્ફળ જવા લાગ્યો અને હવે ટી-20માંથી તેને બાકાત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ગાવસકરે ગિલને કહ્યું,` ઘરે જઈને કોઈને કહેજે, તારી નજર ઉતારી લે’…



