IPL 2024સ્પોર્ટસ

IPL 2024: દિલ્હી કેપિટલ્સે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી, અક્ષર પટેલ RCB સામે ટીમની કમાન સંભાળશે

ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મુકાયા બાદ દિલ્હી કેપિટલ્સે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. મુખ્ય કોચ રિકી પોન્ટિંગના જણાવ્યા અનુસાર, અક્ષર પટેલ RCB સામે DCનો હવાલો સંભાળશે. નોંધનીય છે કે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મહત્વની મેચમાં નહીં રમે. IPLની વર્તમાન સિઝનમાં ત્રણ વખત ધીમા ઓવર રેટના કારણે તેને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. 7 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સની 20 રનની જીત દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ મેચની છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ ટીમ નિર્ધારિત સમય કરતા 10 મિનિટ પાછળ હતી.

IPL તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 7 મે, 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ધીમી ઓવર રેટના કારણે IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અને તેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.


દિલ્હીની ટીમ અગાઉ સિઝનની શરૂઆતમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (માર્ચ 31) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (3 એપ્રિલ) સામે ધીમી ઓવર નાખવા માટે દોષી સાબિત થઈ હતી. દિલ્હીની ટીમ ટેબલમાં પાંચમા સ્થાને છે જ્યારે RCB સાતમા સ્થાને છે. બંને ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે.

ઋષભ પંતને રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે કારણ કે આઇપીએલના ન્યૂનતમ ઓવર-રેટના નિયમો મુજબ આ વર્તમાન સિઝનમાં તેમની ટીમનો ત્રીજો ગુનો છે. આ કેસમાં દિલ્હીની ટીમના અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.


દિલ્હી કેપિટલ્સે તેમની અપીલમાં વિલંબ માટે ઘણા કારણો દર્શાવ્યા હતા. જેમાં રાજસ્થાનના બેટ્સમેનો દ્વારા ફટકારવામાં આવેલી 13 સિક્સરનો ઉલ્લેખ હતો અને સંજુ સેમસનને વિવાદાસ્પદ રીતે આઉટ આપવામાં ‘લગભગ પાંચ-છ મિનિટ’નો સમય લાગ્યો હતો. ટીમે કહ્યું હતું કે બદલામાં તેને મળેલી ત્રણ વધારાની મિનિટો અપૂરતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button