
કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અર્જુન રણતુંગાએ મોટો આરોપ લગાવ્યો છે કે જય શાહ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યા છે. રણતુંગાએ 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમના પ્રદર્શનની પણ ટીકા કરી છે. અર્જુન રણતુંગાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બીસીસીઆઈને લાગે છે કે તેઓ શ્રીલંકાના ક્રિકેટ અધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધોને કારણે શ્રીલંકન ક્રિકેટને નિયંત્રિત કરી શકે છે. જય શાહ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે. જય શાહનું દબાણ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યું છે. એક ભારતીય વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે.’
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના વચગાળાના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર પોતાના દેશમાં ક્રિકેટના વિનાશ માટે ગંભીર આરોપો લગાવ્યા છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આરોપ લગાવ્યો કે જય શાહ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ચલાવી રહ્યા છે. તેણે જ શ્રીલંકા ક્રિકેટ બોર્ડનો નાશ કર્યો છે. નોંધનીય છે કે ICC દ્વારા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે . ICCએ તેની પાછળ દલીલ કરી છે કે બોર્ડમાં વધારે પડતો રાજકીય હસ્તક્ષેપ છે અને તેના કારણે બોર્ડની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.અર્જુન રણતુંગાએ વધુમાં એવો દાવો પણ કર્યો હતો કે જય શાહ તેમના પિતાને કારણે જ આટલા શક્તિશાળી છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે 10 નવેમ્બરે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું. શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે વર્લ્ડ કપ 2023 (CWC23) માં ટીમના ખરાબ પ્રદર્શન પછી બોર્ડના તમામ સભ્યોને હટાવી દીધા હતા અને એક નવી સમિતિની રચના કરી હતી, જેને ICC દ્વારા થોડા કલાકોમાં જ નાબૂદ કરી દેવામાં આવી હતી અને હવે આગામી નિર્ણય સુધી શ્રીલંકાની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં. 1996ની વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે આ મોટો ઝટકો છે.