ટીમ ઇન્ડિયાની જર્સી અંગે PCB નારાજ, ICC પાસે મદદ માંગી; જાણો શું છે મામલો
મુંબઈ: ફેબ્રુઆરી મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની (ICC Champions Trophy) શરૂઆત થાય એ પહેલા આ ટુર્નામેન્ટ ઘણા વિવાદોમાં ઘેરાઈ છે. ખાસ કરીને ભારતીય ટીમના મેચ પાકિસ્તાનની બહાર યોજવા અંગે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે લાંબા સમય સુધી મડાગાંઠ રહી. અંતે ટીમ ઈન્ડિયાની બધી મેચ દુબઈમાં યોજવાનું નક્કી થયું, હવે ભારતીય ટીમની જર્સી અંગે BCCI અને PCB વચ્ચે વિવાદ શરુ થયો છે.
ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ નહીં હોય:
BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યા પછી ભારત માટે દુબઈ હાઇબ્રિડ મોડેલ અપનાવવામાં આવ્યું. જોકે, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું ઓફિસિયલ હોસ્ટ રહેશે. હવે BCCIએ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની જર્સી પર યજમાન પાકિસ્તાનનું નામ લખવા ઇનકાર કર્યો છે, જેની સામે PCBએ વાંધો ઉઠાવ્યો છે.
પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ લખાઈ ચુક્યું છે:
ICC ઇવેન્ટ્સ દરમિયાન, બધી ટીમોની જર્સી પર યજમાન દેશોનું નામ લખવામાં આવે છે. જૂન 2024માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં દરેક ટીમની જર્સી પર યજમાન દેશ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના નામ લખેલા હતાં.
2023 ODI વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થયું હતું, આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની ટીમ ભારત આવી હતી. પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ લખેલું હતું. આ પહેલા પણ જ્યારે ભારતે ICC ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું, ત્યારે પાકિસ્તાનની જર્સી પર INDIA લખેલું જોવા મળ્યું હતું. પરંતુ BCCIને ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાન લખાવવાથી વાંધો છે.
Also read: IND vs AUS: ટીમ ઇન્ડિયા સામે ષડયંત્ર! મેલબોર્નમાં પ્રેક્ટીસ માટે આવી પિચ આપવામાં આવી
PCBએ ICC પાસે મદદ માગી:
તાજેતરમાં, BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાના એક કાર્યક્રમ માટે ટીમના કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી PCB નાખુશ છે.
તેવી જ રીતે, પાકિસ્તાનની યજમાની હેઠળ યોજાનાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયન દરેક ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું હશે, પરંતુ ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવામાં આવશે નહીં. જેના કારણે PCB નારાજ છે. હવે પાકિસ્તાને આ મુદ્દા અંગે ICC પાસે મદદ માગી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘BCCI ક્રિકેટમાં રાજકારણ કરી રહ્યું છે જે સ્પોર્ટ માટે સારું નથી. BCCIએ પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. તેઓ પોતાના કેપ્ટન (રોહિત શર્મા) ને ઓપનીંગ સેરેમની માટે પાકિસ્તાન મોકલવા તૈયાર નથી અને હવે એવા અહેવાલો છે કે (ભારતીય ક્રિકેટ ટીમની) જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવામાં નહીં આવે. અમને આશા છે ICC આવું નહીં થવા દે અને પાકિસ્તાનને ટેકો આપશે.’ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ યોજાશે.