પાકિસ્તાન સામે રમવા બીસીસીઆઇ કેમ તૈયાર થયું? ભારત સરકારે કેમ મનાઈ ન કરી? હકીકત જાણી લો… | મુંબઈ સમાચાર

પાકિસ્તાન સામે રમવા બીસીસીઆઇ કેમ તૈયાર થયું? ભારત સરકારે કેમ મનાઈ ન કરી? હકીકત જાણી લો…

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરનો મેન્સ ટી-20 એશિયા કપ (Asia Cup) ભારતમાં નહીં, પણ તટસ્થ સ્થળ યુએઇમાં રમાશે અને એમાં ભારતની તમામ મૅચો દુબઈમાં રાખવામાં આવશે એ વાતથી બધા વાકેફ છે, પરંતુ પાકિસ્તાન (Pakistan) સામે રમવા માટે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) કેમ તૈયાર થયું અને ભારત સરકારે (India government) કેમ પાકિસ્તાન સામે રમવા લીલી ઝંડી બતાવી એ પાછળના કારણો અને હકીકત હવે ચર્ચામાં છે.

યુએઇના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવાર, 14મી સપ્ટેમ્બરની લીગ મૅચ તો નક્કી છે જ, રવિવાર 21મી સપ્ટેમ્બરના સુપર-ફૉર રાઉન્ડમાં તેમ જ રવિવાર 28મી સપ્ટેમ્બરની ફાઇનલમાં પણ આ બે કટ્ટર દેશ સામસામે આવી શકે. હજી થોડા જ દિવસ પહેલાં પીઢ ખેલાડીઓની ડબ્લ્યૂસીએલમાં પાકિસ્તાન સામેની મૅચમાં રમવાનો શિખર ધવન, હરભજન સિંહ વગેરે ભારતીય ખેલાડીઓએ ઇનકાર કર્યો અને છેવટે એ મૅચ ડબ્લ્યૂસીએલના આયોજકાએ રદ કરવી પડી એ પછી હવે એશિયા કપમાં પાકિસ્તાન સામે સંભવિત ત્રણ-ત્રણ મુકાબલામાં ઊતરવા ભારત કેમ તૈયાર થઈ ગયું એ વિષય હાલમાં ચર્ચાસ્પદ છે. બીસીસીઆઇએ કેમ એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની તૈયારી બતાવી અને ભારત સરકારે કેમ પરવાનગી આપી એ મુદ્દો દિલ્હીની સંસદમાં ઉઠાવવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચો: બેંગલૂરુના સ્ટેડિયમને કારણે કેમ બીસીસીઆઇ અને આરસીબી ચિંતામાં મુકાયા?

પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓના હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના મથકો પર તેમ જ હવાઈ અડ્ડાઓ પર ભારે હુમલા કરીને પાકિસ્તાનને ત્રણ જ દિવસમાં એની મર્યાદા બતાવી દીધી હતી અને યુદ્ધવિરામ માટે પાકિસ્તાને કાકલૂદી કરી એટલે ભારત છેવટે સંમત થયું હતું.

હકીકત એ છે કે બીસીસીઆઇએ એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની સહમતિ બતાવી એ પાછળનું કારણ એ છે કે ભારત 2036ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાવાની છે અને એ સાથે ઑલિમ્પિક્સમાં ક્રિકેટે 128 વર્ષે કમબૅક કર્યું છે. ક્રિકેટે હવે જ્યારે ઑલિમ્પિક્સમાં પુનરાગમન કર્યું જ છે એટલે ઑલિમ્પિક્સ કમિટીનો નિયમ અનુસરવો જ પડશે. આ નિયમ એવો છે કે ઑલિમ્પિક્સનું યજમાનપદ મેળવવા માગતા રાષ્ટ્રએ બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાના કટ્ટરમાં કટ્ટર દુશ્મન દેશ સામે પણ રમવું પડે.

આ પણ વાંચો: બીસીસીઆઇ હવે આરટીઆઇ હેઠળ, માન્યતા માટે અરજી કરવી પડશેઃ `ઇન્ડિયા’ નામ માટે એનઓસી લેવું પડશે

આ વર્ષે ભારતમાં હૉકીનો જુનિયર વર્લ્ડ કપ અને એશિયા કપ રમાવાનો છે અને એમાં રમવા માટે ભારત આવવા કેન્દ્ર સરકારે પાકિસ્તાનને પોતાની ટીમ મોકલવાની પરવાનગી આપી છે.

હવે ભારત સરકારે જ્યારે પાકિસ્તાનની હૉકી ટીમોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે એ જોતાં યુએઇમાં રમાનારા બહુરાષ્ટ્રીય એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાનો નિર્ણય લેવાનું બીસીસીઆઇ માટે આસાન થઈ ગયું હતું અને એ નિર્ણય લેવાયો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button