રોહિત શર્માનો જિગરી દોસ્ત ન બની શક્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર

બે ભૂતપૂર્વ બોલરને મળી જવાબદારીઃ જાણો, કોના પર કળશ ઢોળાયો
મુંબઈઃ ભારતીય ક્રિકેટનું સંચાલન કરતા અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડોમાં સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની રવિવારની વાર્ષિક સભામાં બે નવા સિલેક્ટરના નામ જાહેર કરવામાં આવ્યા જેમાં ભૂતપૂર્વ બોલર પ્રજ્ઞાન ઓઝા (PRAGYAN OJHA) અને આર. પી. સિંહ (RP SINGH)નો સમાવેશ છે. તેમની પસંદગી એસ. શરથ અને સુબ્રતો બૅનર્જીના સ્થાને કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે ભારતના વન-ડે સુકાની રોહિત શર્માના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર પ્રવીણ કુમારને સિલેક્ટર નથી બનવા મળ્યું.
ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા રોહિત શર્માના નજીકના દોસ્ત પ્રવીણ કુમારનું નામ સિલેક્ટર તરીકે બોલાતું હતું. જોકે તેને બદલે 2007માં ટી-20 વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રુદ્ર પ્રતાપ સિંહ (આર. પી. સિંહ)ને આ જવાબદારી સોંપાઈ છે.
પ્રજ્ઞાન ઓઝા પૂર્વ ઝોનમાંથી અને આર. પી. સિંહ ઉત્તર ઝોનમાંથી સિલેક્ટર બન્યો છે. સ્પિનર પ્રજ્ઞાન ભારત વતી 24 ટેસ્ટ, 18 વન-ડે અને છ ટી-20 રમ્યો હતો જેમાં તેણે અનુક્રમે 113, 21 અને 10 વિકેટ લીધી હતી. ઓડિશાના લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ટેસ્ટ ક્રિકેટ સહિતની કુલ 108 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં કુલ 424 વિકેટ લીધી હતી. તેણે આઇપીએલની 92 મૅચમાં 89 વિકેટ લીધી હતી. 2013માં સચિન તેન્ડુલકરની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ પછી પ્રજ્ઞાનની કરીઅર પર પણ પડદો પડી ગયો હતો. જોકે તે અંતિમ મૅચમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
આ પણ વાંચો: BCCI ને મળ્યા નવા પ્રમુખ; જાણો કોણ છે જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા ભૂતપૂર્વ ડોમેસ્ટિક સ્ટાર ખેલાડી
ઉત્તર પ્રદેશનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર આર. પી. સિંહ ભારત વતી 14 ટેસ્ટ, 58 વન-ડે અને 10 ટી-20 રમ્યો હતો જેમાં તેણે અનુક્રમે 40, 69 અને 15 વિકેટ મેળવી હતી. તેણે પ્રથમ કક્ષાની 94 મૅચમાં 301 વિકેટ લીધી હતી. એક સમયે આઇપીએલના આ નંબર-વન બોલરે આ ભારતીય સ્પર્ધાની 82 મૅચમાં 90 વિકેટ મેળવી હતી.
રોજર બિન્નીના સ્થાને ભૂતપૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર મિથુન મન્હાસની નિયુક્તિ બીસીસીઆઇના 37મા પ્રમુખ તરીકે કરવામાં આવી છે. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. 45 વર્ષના મન્હાસ 1997થી 2016 દરમ્યાન દિલ્હી વતી રણજી ટ્રોફી મૅચો તેમ જ અન્ય ફર્સ્ટ ક્લાસ મૅચો રમ્યા હતા. તેમણે 19 વર્ષની કારકિર્દીમાં અન્ડર-19ની ટીમનું સુકાન સંભાળવા ઉપરાંત 157 મૅચમાં 27 સેન્ચુરી સહિત 9,714 રન કર્યા હતા. વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તે દિલ્હી વતી મિથુન મન્હાસની કૅપ્ટન્સી હેઠળ રમ્યો હતો.
આ પણ વાંચો: અભિષેક શર્મા રોહિત શર્માનું સ્થાન લેશે? BCCIના સિલેક્ટર્સ આ મુદ્દે વિચાર કરી રહ્યા છે
જયદેવ શાહને ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેન્ગસરકરના સ્થાને ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર બનાવવામાં આવ્યા છે.
મહિલા ક્રિકેટરો માટેની સિલેક્શન કમિટીના ચૅરપર્સન તરીકે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અમિતા શર્માની નિયુક્તિ થઈ છે. તેમની સિલેક્શન કમિટીમાં શ્યામા ડે, જયા શર્મા અને શ્રવંતી નાયડુનો સમાવેશ છે. અમિતા શર્માએ નીતુ ડેવિડની જગ્યા લીધી છે અને તેમની મુદત બીજી નવેમ્બરે મહિલા વન-ડે વર્લ્ડ કપ પૂરો થયા બાદ શરૂ થશે.
મેન્સ સિલેક્શન કમિટીમાં કોણ?
અજિત આગરકર ચીફ સિલેક્ટર છે, જ્યારે અન્ય ચાર સિલેક્ટરમાં શિવ સુંદર દાસ, અજય રાત્રા, પ્રજ્ઞાન ઓઝા તથા આર. પી. સિંહનો સમાવેશ છે.
બીસીસીઆઇની એજીએમના મહત્ત્વના નિર્ણયો
રવિવારની ઍન્યૂઅલ જનરલ મીટિંગ (એજીએમ)માં લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયોમાં નિમ્નલિખિત નિયુક્તિઓ થઈ હતીઃ
મિથુન મન્હાસઃ બીસીસીઆઇના નવા પ્રમુખ
રાજીવ શુક્લાઃ ફરી એક વખત ઉપ-પ્રમુખ
દેવાજિત સૈકિયાઃ સેક્રેટરી
પ્રભતેજ ભાટિયાઃ જોઇન્ટ સેક્રેટરી
રઘુરામ ભટ્ટઃ ખજાનચી
અરુણ ધુમાલઃ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ફરી ચૅરમૅનપદે
જયદેવ શાહઃ ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર
અમિતા શર્માઃ મહિલાઓ માટેની સિલેક્શન કમિટીનાં અધ્યક્ષ
હરભજને પંજાબ માટે ફાળો માગ્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ બીસીસીઆઇની વાર્ષિક સભામાં પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યો હતો અને તેણે પૂરગ્રસ્ત પંજાબ અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં રાહતના કાર્યો માટે આર્થિક યોગદાન આપવાની બીસીસીઆઇને વિનંતી કરી હતી.
સૌરવ ગાંગુલીની ગેરહાજરી
બીસીસીઆઇનો ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી હવે ક્રિકેટ ઍસોસિયેશન ઑફ બેન્ગાલ (સીએબી)નો પ્રમુખ બની ગયો છે. જોકે તેણે બીસીસીઆઇની રવિવારની એજીએમમાં હાજરી નહોતી આપી.