ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરીની `ઘૂસણખોરી’ને પગલે બીસીસીઆઇએ આકરો નિયમ લાવવો પડ્યો?

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ક્રિકેટરોને ટૂંકા વિદેશી પ્રવાસે પત્ની, પાર્ટનર કે કોઈ પણ ફૅમિલી મેમ્બરને પોતાની સાથે લઈ જવાની મનાઈ કરવાની સાથે જે કેટલાક બીજા કડક નિયમો લાગુ કર્યા છે એમાંનો એક નિયમ છે, મૅનેજર કે એજન્ટ કે શેફ સહિતના પર્સનલ સ્ટાફને પોતાની સાથે ટૂર પર લઈ જવાની મનાઈ. કેટલાક અહેવાલો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ નિયમ હેડ-કોચ ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરીના ટીમ ઇન્ડિયા સાથેના બિનસત્તાવાર પ્રવાસોને પગલે બીસીસીઆઇએ અંગત સ્ટાફ સંબંધિત આ આકરો નિયમ લાવવો પડ્યો છે.
ગુરુવારે પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું કે કોચિંગ સ્ટાફના એક મેમ્બર હંમેશાં ટીમ ઇન્ડિયાના પ્રવાસમાં પર્સનલ સેક્રેટરીને પોતાની સાથે લઈ જતા હતા અને એ સેક્રેટરી ટીમની જ હોટેલમાં રહેતા હતા. તાજેતરમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ વખતે પણ આ સેક્રેટરી દરેક મૅચના સ્થળે જોવા મળતા હતા.
એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ કોચિંગ સ્ટાફના મેમ્બર્સમાં ફક્ત હેડ-કોચ ગૌતમ ગંભીરનો જ પર્સનલ સેક્રેટરી છે.
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરીને મળી રહેલા વિશેષ લાભોને તાજેતરમાં વખોડી કાઢ્યા હતા. આ અધિકારીએ ગુપ્ત બાબતો બહાર લાવતાં જણાવ્યું હતું કે તેઓ (ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરી) નૅશનલ સિલેક્ટરો માટે ખાસ નક્કી કરવામાં આવતી કારમાં જ બેસતા હતા, ઑસ્ટ્રેલિયા ખાતેના ડિસેમ્બરના પ્રવાસમાં ઍડિલેઇડ ખાતે બીસીસીઆઇ માટેની એક ખાસ વ્યવસ્થામાં પણ આ સેક્રેટરીને પણ બેસવા માટે ખાસ જગ્યા મળતી હતી. એટલું જ નહીં, ફાઇવસ્ટાર હોટેલમાં ભારતીય ક્રિકેટરો માટે બ્રેકફાસ્ટને લગતી જે ખાસ જગ્યા રિઝર્વમાં રાખવામાં આવી હોય એ જગ્યાએ પણ ગૌતમ ગંભીરના પર્સનલ સેક્રેટરી જોવા મળતા હતા.’
અધિકારી આ વિશિષ્ટ લાભો સામે વાંધો ઉઠાવતા જણાવે છે કે `શા માટે તેમના (ગૌતમ ગંભીરના) પર્સનલ સેક્રેટરી નૅશનલ સિલેક્ટરો માટેની કારમાં બેસતા હતા? કારમાં એ અજાણી વ્યક્તિ બેઠી હોય એટલે સિલેક્ટરો સામાન્ય રીતે ખાનગીમાં કરાતી ચર્ચા પણ નહોતી કરી શક્તા. ઍડિલેઇડમાં શા માટે એ સેક્રેટરીને બીસીસીઆઇ માટેની જગ્યામાં બેસવાની વ્યવસ્થા કરી અપાઈ હતી? ખેલાડીઓએ જ્યાં બ્રેકફાસ્ટ માટે એકત્રિત થવાનું હોય અને બેસવાનું હોય એમાં એ સેક્રેટરીની હાજરી શા માટે?’
આ પણ વાંચો : બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રોજર બિન્નીના પ્રમુખપદ હેઠળના બીસીસીઆઇએ ખેલાડીઓને કે કોચિંગ સ્ટાફને અંગત સ્ટાફ મેમ્બરને પોતાની સાથે લઈ જવાની મનાઈ કરી છે.