બીસીસીઆઇએ ` ગંભીર ઈજામાં ખેલાડીના રિપ્લેસમેન્ટ’નો નિયમ અપનાવ્યોઃ હવે આઇસીસી અનુકરણ કરશે?
સિરિયસ ઇન્જરીવાળો ખેલાડી વધુ રમીને પોતાને મુસીબતમાં ન મૂકે એવો ક્રિકેટ બોર્ડનો હેતુ

નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ગંભીર રીતે ઈજા પામતા ખેલાડીઓના સ્થાને તેના જેવા જ વર્ગના ખેલાડી (LIKE-FOR-LIKE)ને એ જ મૅચમાં રમવાની છૂટ આપતી જોગવાઈ ધરાવતો નવો નિયમ (New Rule) અપનાવ્યો છે.
આગામી સીઝનથી આ નિયમ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની એક કરતાં વધુ દિવસની મૅચોને લાગુ પડશે. તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિકેટકીપર રિષભ પંત પગમાં ફ્રૅક્ચર હોવા છતાં (આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગંભીર ઈજાવાળા ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે બીજા પ્લેયરને બોલાવવાની છૂટ ન હોવાને કારણે) બૅટિંગ કરવા માટે મેદાન પર આવ્યો હતો અને પંતના આ ઉદાહરણને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ ડોમેસ્ટિક ક્રિકેટમાં નવો નિયમ દાખલ કર્યો છે કે જેથી કોઈ પ્લેયર ગંભીર ઈજા હોવા છતાં રમીને પોતાને વધુ મુસીબતમાં ન મૂકે.
આપણ વાંચો: BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોટા ફેરફાર જોવા મળશે, આ પદો ખાલી પડ્યા
રાજ્યોના ક્રિકેટ ઍસોસિયેશનોને જણાવી દેવામાં આવ્યું છે કે ` જો કોઈ ખેલાડીને મૅચ દરમ્યાન શરીરના કોઈ ભાગમાં ગંભીર ઈજા (ફ્રૅક્ચર, ઊંડો કાપો, હાડકું ઊતરી જવું વગેરે) થઈ હોય અને તે પ્લેયર એ મૅચમાં વધુ રમવા માટે ઉપલબ્ધ ન હોય તો તે ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને (મૅચ-રેફરી કે મેદાન પરના ડૉક્ટર સાથે સલાહ મસલત કરીને) લાઇક-ફૉર-લાઇક ખેલાડીને મૅચની બાકીની રમત રમવા માટે બોલાવી શકાશે.’
આગામી 28મી ઑગસ્ટે શરૂ થનારી દુલીપ ટ્રોફીથી બીસીસીઆઇનો આ નવો નિયમ અમલી બનશે. મૅચના ટૉસ વખતે સબસ્ટિટ્યૂટ્સ તરીકે જે ખેલાડીઓના નામ આપવામાં આવ્યા હશે એમાંના જ લાઇક-ફૉર-લાઇક પ્લેયરને ઈજાગ્રસ્ત પ્લેયરના સ્થાને રમવા બોલાવી શકાશે.
આંતરરાષ્ટ્રીય મૅચોમાં હાલમાં માત્ર બે કારણસર ખેલાડીના રિપ્લેસમેન્ટની છૂટ છે. જો કોઈ ખેલાડી કંકશન (માથાની ઈન્જરી)નો કે કોવિડ-19ના વાઇરસનો શિકાર બને તો તેના સ્થાને અન્ય ખેલાડીને રમવા બોલાવી શકાય છે.