ભારતીય મહિલા ટીમ રવિવારે વર્લ્ડ કપ જીતશે તો બીસીસીઆઇ આટલા કરોડ રૂપિયાનું તોતિંગ ઇનામ આપશે

નવી દિલ્હીઃ ભારતની મહિલા ક્રિકેટરો નવો ઇતિહાસ સર્જી શકે એને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને જો તેઓ ભારતીય મહિલા ક્રિકેટમાં વિજેતાપદનું એ નવું પ્રકરણ શરૂ કરશે તો બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) તેમના પર કરોડો રૂપિયાના ઇનામ (PRIZE MONEY)ની વર્ષા કરશે.
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની છે. ભારતીય મહિલાઓ ક્યારેય કોઈ વર્લ્ડ કપ નથી જીતી, પણ આ વખતે તેમને સુવર્ણ તક છે.
બીસીસીઆઇની ` સમાન નીતિ’
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ વરસાવવા બીસીસીઆઇએ બધી તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. એવું મનાય છે કે બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી અને આઇસીસીના ચૅરમૅન જય શાહ ` સમાન નીતિ’ને અનુસરવાની પરંપરા ક્રિકેટ બોર્ડને આપી ગયા હોવાથી ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માના સુકાનમાં ચૅમ્પિયન બનેલી ભારતીય ટીમને જેટલી ઇનામીરકમ અપાઈ હતી એટલી જ રકમ રવિવારે વિજેતા થનાર ભારતની મહિલા ટીમને અપાશે.
આ પણ વાંચો : એક એશિયા કપ ટ્રોફીનું કોકડું હજી ઉકેલાયું નથી ત્યાં બીજી ગૂંચ પડી શકે, ભારત-પાકિસ્તાન ફરી એક જ ગ્રૂપમાં…
રોહિતની ટીમને 125 કરોડ રૂપિયા મળેલા
2024માં ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય મેન્સ ટીમને બીસીસીઆઇ તરફથી કુલ 125 કરોડ રૂપિયાનું તોતિંગ ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું અને યોગાનુયોગ, મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં રવિવારે ભારતીય મહિલા ટીમને પણ સાઉથ આફ્રિકાને હરાવવાનો મોકો છે.
આ પણ વાંચો : ભારતીય મહિલાઓનો ચેઝ વિક્રમજનક, અભિનંદનની વર્ષા: ઑસ્ટ્રેલિયાએ સિંહાસન ગુમાવ્યું
પુરુષ ચૅમ્પિયનો જેટલું જ ઇનામ મહિલાઓને
બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ` બીસીસીઆઇ પુરુષો અને મહિલાઓ માટે એકસમાન ઇનામની નીતિમાં માને છે. જો ભારતની વિમેન્સ ટીમ રવિવારે ફાઇનલ જીતશે તો તેમને ઇનામ તરીકે મેન્સ ટીમથી એક પૈસો ઓછો નહીં મળે. જોકે તેઓ ફાઇનલ જીતે પહેલાં જ એની જાહેરાત કરવાનું ઉચિત ન લાગ્યું હોવાથી જાહેરાત નથી કરવામાં આવી.’
એ જોતાં હરમનપ્રીતના સુકાનમાં રમનારી ટીમ જો રવિવારે વર્લ્ડ ચૅમ્પિયન થશે તો તેમને પણ કદાચ કુલ 125 કરોડ રૂપિયાનું જ ઇનામ મળશે.
આ પણ વાંચો : IND-W vs AUS-W સેમિફાઇનલ; ટીમ ઇન્ડિયા બદલો લેવા તૈયાર! આજે ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ
ઇનામીરકમમાં 10 ગણો વધારો
2017માં (આઠ વર્ષ પહેલાં) ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે નવ રનથી હારી ગઈ હતી. ત્યારે રનર-અપ બનેલી ભારતીય ટીમની પ્રત્યેક મહિલા ખેલાડીને બીસીસીઆઇ તરફથી 50 લાખ રૂપિયાનું ઇનામ અપાયું હતું. તુષાર અરોઠે ત્યારે ટીમના કોચ હતા. તેમને તેમ જ તેમના સ્ટાફ મેમ્બર્સને પણ મોટી ઇનામરકમ મળી હતી. જો રવિવારે ભારતીય ટીમ ફાઇનલ જીતશે તો ટીમની દરેક પ્લેયરને 2017ની સરખામણીમાં લગભગ 10 ગણી ઇનામીરકમ મળશે.



