સ્પોર્ટસ

શુભમન ગિલની ફિટનેસ વિશે બીસીસીઆઇએ આપ્યું મેડિકલ અપડેટ…

ગુવાહાટીઃ શુભમન ગિલ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝથી કૅપ્ટન બન્યો અને એ શ્રેણી 2-2થી ડ્રૉ કરાવીને અનેક લોકોના દિલ જીત્યો ત્યાર પછી ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં ભારત તેના સુકાનમાં 2-0થી જીત્યું એટલે ગિલની પ્રતિષ્ઠા વધી ગઈ, પરંતુ સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટની ટીમમાં તે હોવા છતાં નહોતો એટલે ભારત પરાજિત થતાં તેની કૅપ્ટન તરીકેની સફળતાને બ્રેક લાગવા માંડી છે. સાઉથ આફ્રિકાએ 1-0થી અપરાજિત સરસાઈ લીધી છે.

વાત એવી છે કે શનિવાર, 22મી નવેમ્બરે ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટ પહેલાં ગિલ (Gill) ગરદનની ઈજામાંથી હજી પૂર્ણપણે મુક્ત નથી થયો, પરંતુ તે આ ટેસ્ટમાં રમવા માટે અને ભારત (India)ને કેમેય કરીને જિતાડવા આતુર છે.

બીસીસીઆઇએ બુધવારે આપેલા મેડિકલ અપડેટ મુજબ ગિલ ટીમ સાથે ગુવાહાટી આવ્યો છે અને બીસીસીઆઇની મેડિકલ ટીમ તેની સારવારમાં સતત કાર્યરત છે.

પીટીઆઇના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવાર અને શુક્રવારે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ગિલ ફિટનેસ (Fitness) પાછી મેળવવા પૂરો પ્રયત્ન કરશે. તે 100 ટકા ફિટ નથી, પરંતુ ગરદનમાં તેને હવે પહેલા જેવો અસહ્ય દુખાવો નથી. તેણે ચાર-પાંચ દિવસ આરામ કર્યો હોવાથી ગરદનમાં તેને હવે ઓછું દુખે છે.

ગિલ વિશે ચિંતા એ છે કે તે બીજી ટેસ્ટમાં રમવા માટે ફિટ થઈ જશે તો પણ પાંચેય દિવસ રમીને તેને જો ગરદનમાં દુખાવો ફરી શરૂ થશે તો તેણે કદાચ લાંબો સમય મેદાનથી દૂર રહેવું પડશે.

ગિલ જો ગુવાહાટીમાં નહીં રમી શકે તો તેના સ્થાને સાઇ સુદર્શન અથવા નીતીશ રેડ્ડી અથવા દેવદત્ત પડિક્કલનો નંબર લાગી શકે. સરફરાઝ ખાન, કરુણ નાયર અને અભિમન્યુ ઈશ્વરન સ્પિન બોલિંગ સામે સારું રમી શકે છે, પરંતુ કોચિંગ સ્ટાફ અને સિલેક્શન કમિટીને હજી આ ત્રણ બૅટ્સમેન પર પૂરો ભરોસો નથી. એક અટકળ એવી છે કે ધ્રુવ જુરેલને ત્રીજા ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો…ગુવાહાટીમાં ગિલ નહીં રમે તો કોનો ચાન્સ લાગશે?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button