બીસીસીઆઇને મોટી રાહત, કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે…

નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને બુધવારે અહીં સંસદમાં મોટી રાહત મળી હતી. ખેલકૂદ મંત્રાલયે નૅશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) સંબંધિત જોગવાઈમાં સુધારો કર્યો છે જે મુજબ આરટીઆઇ હેઠળ એવા જ સંગઠનો (ઍસોસિયેશનો કે ફેડરેશનો) આવશે જેઓ સરકારી ગ્રાન્ટ કે સરકારી સહાય પર નભતા હોય. એનો અર્થ એ થયો કે બીસીસીઆઇને આરટીઆઇમાંથી મુક્તિ અપાઈ છે.
23મી જુલાઈએ લોકસભામાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા (MANDAVIYA)એ આ ખરડો (BILL) રજૂ કર્યો હતો જેની કલમ 15 (2)માં એવું જણાવાયું હતું કે માન્યતાપ્રાપ્ત ખેલકૂદ સંગઠનો આરટીઆઇ ધારા, 2005 હેઠળ જાહેર સત્તા ગણાશે. જોકે બીસીસીઆઇ માટે આરટીઆઇનો મુદ્દો હંમેશાં કાંટાળો રહ્યો છે. બીસીસીઆઇની હંમેશાં દલીલ રહી છે કે અન્ય ખેલકૂદ સંગઠનોની જેમ એ ક્યારેય સરકારી ભંડોળ પર નભ્યું નથી એટલે એને (બીસીસીઆઇને) આરટીઆઇનો નિયમ લાગુ ન પડવો જોઈએ.
આ પણ વાંચો: પાકિસ્તાન સામે રમવા બીસીસીઆઇ કેમ તૈયાર થયું? ભારત સરકારે કેમ મનાઈ ન કરી? હકીકત જાણી લો…
એક સૂત્રએ પીટીઆઇને જણાવ્યું હતું કે ` જો બીસીસીઆઇને આરટીઆઇમાંથી મુક્તિ ન મળી હોત તો સંસદમાં આ ખરડો અટવાઈ ગયો હોત અને અદાલતમાં એને પડકારવામાં પણ આવ્યો હોત.’
સૂત્રએ એવું પણ જણાવ્યું હતું કે ` આનો સીધો એ થયો કે જે પણ ખેલકૂદ સંગઠનને જાહેર નાણા સાથે સીધો સંબંધ હોય એને જ આરટીઆઇ લાગુ પડશે. જો કોઈ સ્પોર્ટ્સ ફેડરેશન સરકારી ભંડોળ ન લેતું હોય, પરંતુ સરકારી મદદથી બનતી માળખાકીય સગવડોનો લાભ મેળવતું હોય એવા ફેડરેશનને આરટીઆઇનો ધારો લાગુ પડશે.’