નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આગામી જૂનના ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયા માટે નવા કોચની શોધમાં છે ત્યારે ગૌતમ ગંભીર (Gautam Gambhir) પર સક્રિય ચર્ચા ચાલી રહી છે ત્યાં હવે 2007 ટી-20 વર્લ્ડ કપના બીજા ચૅમ્પિયન ખેલાડી હરભજન સિંહે (Harbhajan Singh) પણ રેસમાં ઝુકાવ્યું છે.
2007માં ભારતે પાકિસ્તાનને હરાવીને ટી-20 વર્લ્ડ કપની જે પહેલી ટ્રોફી જીતી લીધી હતી એ ટૂર્નામેન્ટમાં હરભજન સિંહ ભારતીય બોલર્સમાં સાત વિકેટ સાથે (આરપી સિંહની 12 વિકેટ અને ઇરફાન પઠાણની 10 વિકેટ) પછી ત્રીજા નંબરે હતો.
રાહુલ દ્રવિડની હેડ-કોચ તરીકેની મુદત ટી-20 વર્લ્ડ કપને અંતે પૂરી થઈ રહી છે. બીસીસીઆઇ નવી અરજીઓ મગાવી રહ્યું છે જેમાં વિદેશી ખેલાડીઓ પણ ઍપ્લાય કરી રહ્યા છે. બીસીસીઆઇએ ગંભીરનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ વચ્ચે એવી પણ ચર્ચા છે કે દ્રવિડને ફરી આ હોદ્દો સંભાળવામાં ઓછો રસ છે અને વીવીએસ લક્ષ્મણને ક્રિકેટ બોર્ડ બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) સુધી સીમિત રાખવા માગે છે, કારણકે ત્યાં તેના કોચિંગમાં ઘણા નવયુવાનો તૈયાર થઈને ટીમ ઇન્ડિયા તથા ઇન્ડિયા ‘એ’ અને અન્ડર-19 ટીમના સ્તર સુધી પહોંચી રહ્યા છે.
કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર હરભજને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનવાની ઇચ્છા બતાવી છે. હરભજનનું એવું માનવું છે કે ‘કોઈ ટીમનો કોચ બનવાનો મતલબ ખેલાડીઓને માત્ર બૅટિંગ, બોલિંગ કે ફીલ્ડિંગની ખામીઓ દૂર કરવામાં મદદ કરવાનો જ નહીં, બલ્કે ટીમને મૅનેજ કરવાનો હોય છે. ખેલાડીઓ મોટા ભાગની બાબતો પહેલેથી જાણતા જ હોય છે, પણ તેમને સારો કોચ તેને કહેવાય જે પ્લેયર્સને યોગ્ય માર્ગદર્શન આપી શકે.’
હરભજને કહ્યું છે કે મોકો મળે તો તે મેદાન પર ફરી ઊતરવા માગે છે. બીસીસીઆઇ નવા કોચની મુદત 1 જુલાઈ, 2024થી 31 ડિસેમ્બર, 2027 સુધી રાખશે.
નવા હેડ-કોચ બનવા માટેની રેસમાં ગૌતમ ગંભીર ઉપરાંત હવે હરભજન સિંહ તેમ જ વિદેશી દાવેદારોમાં સ્ટીફન ફ્લેમિંગ અને રિકી પૉન્ટિંગનો સમાવેશ છે.
Taboola Feed