બીસીસીઆઇએ વિદેશના ક્રિકેટ બોર્ડોને અને ફ્રૅન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓને કહી દીધું કે…

નવી દિલ્હીઃ બીસીસીઆઇ (BCCI)એ આઇપીએલની બાકી રહેલી મૅચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું એ સાથે હવે વિદેશી ખેલાડીઓને ભારત પાછા બોલાવવા બાબતમાં ભાર પણ આપવામાં આવી રહ્યો છે. બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આ બાબતમાં વિદેશી ક્રિકેટ બોર્ડો સાથે અને ફ્રૅન્ચાઇઝીઓ (FRENCHISES) વ્યક્તિગત રીતે પોતપોતાના વિદેશી ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં છે.
ક્રિકેટ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇપીએલ (IPL-2025) ફરી 17મી મેએ શરૂ થશે અને ત્રીજી જૂને ફાઇનલ રમાશે. ફાઇનલ સહિત કુલ 17 મૅચ રમાવાની બાકી છે જે માટે બેંગલૂરુ, જયપુર, દિલ્હી, લખનઊ, મુંબઈ અને અમદાવાદ નક્કી કરાયા છે. પાકિસ્તાન સાથેના ટૂંકા યુદ્ધ બાદ હવે સરહદ પર શાંતિ પુનઃસ્થપાઈ રહી હોવાથી બીસીસીઆઇ વિદેશી ક્રિકેટ બોર્ડોને આગ્રહ કરી રહ્યું છે કે તમે આઇપીએલ માટેના તમારા ખેલાડીઓ વહેલાસર ભારત પાછા મોકલો. એ જ રીતે ફ્રૅન્ચાઇઝીઓ પણ પોતાના વિદેશી ખેલાડીઓને આવો આગ્રહ કરી રહ્યા છે.
પાકિસ્તાન સાથેના જંગને પગલે કેટલાક વિદેશી ખેલાડીઓને (અમુક વિદેશી ક્રિકેટ બોર્ડોને) ભારતમાં સલામતી બાબતમાં ચિંતા થઈ રહી હોવાથી બીસીસીઆઇ સંબંધિત વિદેશી બોર્ડને સિક્યૉરિટી વિશે ખાતરી આપી રહ્યું છે. એ જ પ્રમાણે, ફ્રૅન્ચાઇઝીઓએ પ્લેયર્સને આવી ખાતરી આપી છે. બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને મંગળવારે કહ્યું હતું કે `અમને ખાતરી છે કે મોટા ભાગના વિદેશી ખેલાડીઓ ભારત પાછા આવશે.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારત પાછા જવું કે નહીં એનો નિર્ણય પોતાના ખેલાડીઓ પર છોડ્યો છે. જોકે એ નિર્ણયમાં સંબંધિત ખેલાડીઓના ક્રિકેટ બોર્ડની પણ મહત્ત્વની ભૂમિકા રહેશે. પંજાબ કિંગ્સનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને જૉશ ઇંગ્લિસ કદાચ ભારત પાછા ન પણ આવે. જોકે હેડ-કોચ રિકી પૉન્ટિંગ તેમને પાછા બોલાવવા પૂરા પ્રયત્નો કરી રહ્યો છે. આ ટીમ 2014 પછી પહેલી વાર પ્લે-ઑફમાં પહોંચી શકે એમ છે.
ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 11મી જૂને લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલ રમાવાની છે એ જોતાં આ બે દેશના કોઈક ખેલાડી ત્રીજી જૂનની ફાઇનલ સુધી ભારતમાં રહેવાનું કદાચ પસંદ ન પણ કરે. જોકે પૅટ કમિન્સ અને ટ્રૅવિસ હેડ હૈદરાબાદની ટીમ સાથે જોડાવા પ્રયત્નશીલ છે, જ્યારે બેંગલૂરુની ટીમમાં આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ પણ પાછા આવી રહ્યા છે. ઇંગ્લૅન્ડના જૉસ બટલર, જૅકબ બેથેલ અને વિલ જૅક્સ પાછા આવશે એમાં શંકા છે, કારણકે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટેની ઇંગ્લૅન્ડની ટીમમાં આ ત્રણેયના નામ સામેલ કરવામાં આવ્યા છે.
આપણ વાંચો : આ તારીખથી ફરી શરુ થશે IPL, આ તારીખે રમશે ફાઈનલ; જુઓ શેડ્યુલ…