IPL 2025 દરમિયાન થતી રહેશે ટેસ્ટ મેચની પ્રેક્ટિસ ! ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCI બનાવી રહી છે નવી યોજના

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમી રહી છે, જેમાં ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા ભારતીય ટીમે ઘર આંગણે ઇંગ્લેન્ડ સામેની રમાયેલી T20 અને ODI સિરીઝ પણ જીતી હતી, પરંતુ એ પહેલા ટીમને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં કારમી હાર મળી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 બાદ ભારતીય ટીમ ફરી ટેસ્ટ ક્રિકેટ રમવાની છે, એવામાં તૈયારી માટે BCCIએ ખાસ યોજના બનાવી રહી છે.
ખેલાડીઓ વ્યસ્ત:
ભારતીય ક્રિકેટ ટીમ જુન-જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, આ દરમિયાન પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય ખેલાડીઓ સીધા IPL માં જોવા મળશે. IPL 22 માર્ચથી શરુ થશે અને 25 મે સુધી ચાલશે, એટલે કે ભારતીય ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટની તૈયારીઓ માટે સમય જ નહીં મળે.
Also read: ઇંગ્લેન્ડની મહિલા ટીમ ૧૦૦ ટેસ્ટ મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની
BCCIની યોજના:
અહેવાલ મુજબ IPL 2025 દરમિયાન, ભારતીય ખેલાડીઓ પર વધારાની જવાબદારીઓ. ખેલાડીઓએ IPL રમવાની સાથે ટેસ્ટ ક્રિકેટની પ્રેક્ટીસ પણ કરવી પડશે. એક અહેવાલ મુજબ, BCCI IPL સીઝન દરમિયાન ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રાખવા માટે એક યોજના પર કામ કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ પ્રવાસ મહત્વપૂર્ણ હોવાથી ખેલાડીઓને IPL વચ્ચે ક્યારેક ક્યારેક ટેસ્ટ ક્રિકેટના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે પણ કહેવામાં આવી શકે છે. આ યોજના કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તેની ચોક્કસ વિગતો હજુ જાણવા મળી નથી, પરંતુ ઓવરલેપિંગ સિસ્ટમ્સ અંગે કેટલીક પ્રારંભિક બેઠકો થઈ ચૂકી છે.
BCCIની ચિંતાનું કારણ:
BCCI નથી ઇચ્છતું કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટની જેમ ઇંગ્લેન્ડ સામે પણ હાર મળે. IPL 25 મે ખતમ થશે, તેના લગભગ 25 દિવસ પછી ઇંગ્લેન્ડમાં સામે ટેસ્ટ મેચ શરુ થશે. પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાશે.
BCCI માટે આ યોજના એટલા માટે બનાવી રહી છે કે ભારતે IPL પછી ઈંગ્લેન્ડમાં રમાયેલી મોટાભાગની સિરીઝ હારી છે. 2011માં ભારત 4-0 થી સિરીઝ હારી ગયું, 2014માં ઇંગ્લેન્ડની ટીમ 3-1 થી જીતી અને 2018માં ફરી એકવાર ટીમ ઈન્ડિયા 1-4થી હારી ગઈ. જોકે, 2021 અને 2022માં રમાયેલી સિરીઝ 2-2 થી ડ્રો રહી હતી.