નફ્ફટ નકવી વિરુદ્ધ બીસીસીઆઇની ` ચોરી'ની ફરિયાદ? દુબઈ પોલીસ ધરપકડ કરી શકે | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

નફ્ફટ નકવી વિરુદ્ધ બીસીસીઆઇની ` ચોરી’ની ફરિયાદ? દુબઈ પોલીસ ધરપકડ કરી શકે

દુબઈઃ રવિવારે ટીમ ઇન્ડિયા એશિયા કપ (Asia Cup)ની ચૅમ્પિયન બનવા છતાં એને ટ્રોફી (TROPHY) અપાવવાને બદલે ભારતના હકના ટ્રોફી તેમ જ મેડલ ગુમ કરાવી નાખનાર એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પાકિસ્તાની ચીફ મોહસિન નકવી વિરુદ્ધ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) કડક ફોજદારી પગલાં ભરવાની તૈયારીમાં છે. કહેવાય છે કે ભારતીય ટીમને એ ટ્રોફી સોંપી દેવા નકવી અને તેના ઍસોસિયેશનને 72 કલાકની મહેતલ આપવામાં આવી છે.

કેટલાક અહેવાલો અનુસાર નકવી વિરુદ્ધ બીસીસીઆઇ દુબઈ પોલીસમાં ફરિયાદ કરવા વિચારે છે. બીસીસીઆઇની એવી ફરિયાદ છે કે નકવીએ ભારતીય ટીમના હકની ટ્રોફી અને ચંદ્રકો ઇનામ-વિતરણના સ્થળેથી બીજે ક્યાંક ગુમ કરાવી દીધા હતા. એ ઘટનાને 72 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે. ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નકવીએ નાટક શરૂ કરી દીધું હતું અને ભારતીય ખેલાડીઓને કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ છેવટે તેમને ટ્રોફી અને મેડલથી વંચિત રાખ્યા હતા.

આ પણ વાંચો : ACCની બેઠકમાં મોહસિન નકવીને રાજીવ શુક્લાએ આડે હાથ લીધા: જાણો શું કહ્યું

ટ્રોફી હોટેલની રૂમમાં સંતાડી રાખી છે?

એક અહેવાલ મુજબ નકવીએ ભાવિ પગલાંથી ડરીને ભારતના હકની ટ્રોફી યુએઇ ક્રિકેટ બોર્ડને મોકલી આપી છે, જ્યારે બીજા અહેવાલમાં જણાવાયું છે કે ટ્રોફી ક્યાં છે એ હજી સ્પષ્ટ ન હોવાથી બીસીસીઆઇ નકવી વિરુદ્ધ દુબઈ પોલીસમાં ફરિયાદ કરવાના મૂડમાં છે. કહેવાય છે કે નકવીએ ભારતની ટ્રોફી અને મેડલ દુબઈમાં પોતાની હોટેલની રૂમમાં રાખ્યા છે. બીસીસીઆઇ જો નકવી વિરુદ્ધ પોલીસમાં સત્તાવાર ફરિયાદ કરશે તો નકવીની ધરપકડ થઈ શકે.

` ધ્યાન રાખજો, નકવી ટ્રોફી લઈને પાકિસ્તાન ન જતા રહે!’

નકવીના વર્તન સામે બીસીસીઆઇ લડી લેવાના મૂડમાં છે અને એનો અણસાર મંગળવારે એસીસીની મીટિંગમાં બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા તથા એસીસીના બોર્ડમાં ભારતીય પ્રતિનિધિ આશિષ શેલારે આપી દીધો હતો. એ બેઠકમાં તેમણે નકવીનો ઊધડો લીધો હતો. કેટલાક અહેવાલો મુજબ બીસીસીઆઇ સતતપણે યુએઇ ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છે અને યુએઇના સત્તાધિશોને સંકેત આપી દીધો છે કે નકવી ભારતીય ટીમની ટ્રોફી લઈને પાકિસ્તાન ભેગા ન થઈ જાય એની તકેદારી રાખજો, એવું કરતા તેમને રોકજો.

આ પણ વાંચો : એશિયા કપ 2025 ટ્રોફી લઈ ગયા બાદ મોહસીન નકવીએ માફી માંગી

દુબઈમાં ચોરીના મુદ્દે કડક નિયમો છે

દુબઈની કાનૂની સિસ્ટમમાં નિયમો ખૂબ કડક છે. ચોરી કરી હોવાનો જેના પર આરોપ હોય એ જો સાબિત થાય તો તેને કડક સજા કરવામાં આવે છે. દુબઈમાં કંપનીના માલિકની મિલકત ચોરી કરનાર વ્યક્તિને પાંચથી સાત વર્ષની સજા અને દંડ કરવામાં આવે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button