બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…
જાણી લો, બીજા કોને કયા મુખ્ય પુરસ્કાર મળ્યા…
મુંબઈ: વર્તમાન ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ અને ભારતની ટોચની ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાનાને 2024ના વર્ષમાં અસાધારણ પર્ફોર્મ કરવા બદલ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકર કર્નલ સી. કે. નાયુડુ લાઈફટાઈમ અચિવમેન્ટ અવૉર્ડથી નવાજેશ થયો છે. બીસીસીઆઈના ભૂતપૂર્વ સેક્રેટરી અને આઈસીસીના યંગેસ્ટ ચેરમૅન જય શાહના શુભહસ્તે સચિનને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
2024ની સાલ માટેનો ‘બેસ્ટ ઇન્ટરનેશનલ મેન્સ ક્રિકેટર’ અવૉર્ડ બુમરાહને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર પોલી ઉમરીગર અવૉર્ડ તરીકે ઓળખાય છે અને બુમરાહ 2019 અને 2022 પછી હવે ત્રીજી વાર આ અવૉર્ડ જીત્યો છે.
બુમરાહ તાજેતરમાં જ આઇસીસી ક્રિકેટર ઑફ ધ યર તેમ જ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો.
શનિવારે મુંબઈ ખાતેના શાનદાર સમારોહમાં કુલ 27 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાંનો એક પુરસ્કાર તાજેતરમાં નિવૃત્ત થયેલા ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને તેમ જ એક પુરસ્કાર યુવાન બૅટર સરફરાઝ ખાનને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :આજે ભારતને મળી શકે છે આ વર્ષની પહેલી ICC ટ્રોફી? દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલ મેચ
સ્મૃતિ મંધાનાને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકેનો પુરસ્કાર મળ્યો છે.
આ શાનદાર સમારંભમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સહિત અનેક જૂના તથા વર્તમાન ક્રિકેટરો ઉપસ્થિત હતા.
કોને કયો મુખ્ય પુરસ્કાર આપવામાં આવ્યો?
(1) વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ (મહિલા): દિપ્તી શર્મા
(2) વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન (મહિલા): સ્મૃતિ મંધાના
(3) સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ (મહિલા): આશા શોભના
(4) સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ (પુરુષ): સરફરાઝ ખાન
(5) સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા): સ્મૃતિ મંધાના
(6) પોલી ઉમરીગર અવૉર્ડ, સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (પુરુષ): જસપ્રીત બુમરાહ
(7) બીસીસીઆઈ વિશિષ્ટ પુરસ્કાર: રવિચંદ્રન અશ્વિન
(8) કર્નલ સી. કે. નાયુડુ લાઈફટાઈમ અચિવમેન્ટ અવૉર્ડ: સચિન તેન્ડુલકર
(9) બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ: મુંબઈ ક્રિકેટ ઍસોસિએશન (એમસીએ)
(10) જગમોહન દાલમિયા ટ્રોફી, સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (જુનિયર, ડોમેસ્ટિક): ઈશ્વરી અવસારે (મહારાષ્ટ્ર)
(11) જગમોહન દાલમિયા ટ્રોફી, સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (સિનિયર, ડોમેસ્ટિક): પ્રિયા મિશ્રા (દિલ્હી)
(12) જગમોહન દાલમિયા ટ્રોફી, અન્ડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ: એચ. જગનાથન (તામિલનાડુ)
(13) જગમોહન દાલમિયા ટ્રોફી, અન્ડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ રન: લક્ષ્ય રાયચંદાની (ઉત્તરાખંડ)
(14) માધવરાવ સિંધિયા અવૉર્ડ, રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ: તનય ત્યાગરાજન (હૈદરાબાદ)
(15) માધવરાવ સિંધિયા અવૉર્ડ, રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન: રિકી ભુઇ (આંધ્ર પ્રદેશ)
(16) લાલા અમરનાથ અવૉર્ડ, ડોમેસ્ટિક લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર: શશાંક સિંહ (છત્તીસગઢ)
(17) લાલા અમરનાથ અવૉર્ડ, રણજી ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર: તનુષ કોટિયન (મુંબઈ)
(18) ડોમેસ્ટિક ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ અમ્પાયર: અક્ષય તોત્રે
(19) માધવરાવ સિંધિયા અવૉર્ડ, સૌથી વધુ રન, રણજી ટ્રોફી પ્લેટ ગ્રૂપ, અગ્નિ ચોપડા (ફિલ્મ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાનો પુત્ર), (મિઝોરમ)
(20) માધવરાવ સિંધિયા અવૉર્ડ, સૌથી વધુ વિકેટ, રણજી ટ્રોફી પ્લેટ ગ્રૂપ, મોહિત જાંગરા (મિઝોરમ)