સૂર્યા પરનો દંડ હટાવવા બીસીસીઆઇએ કરી અપીલઃ પાકિસ્તાનના એક પ્લેયરને દંડ અને બીજાને માત્ર ચેતવણી

દુબઈઃ 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેળવેલો વિજય પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા હિન્દુ સહેલાણીઓ અને તેમના પરિવારોને સમર્પિત કરવા બદલ તેમ જ ભારતીય સશસ્ત્ર દળોને બિરદાવતી ટિપ્પણી કરવા બદલ આઇસીસીના મૅચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને 30 ટકા મૅચ ફીનો દંડ (FINE) કર્યો છે, પરંતુ બીસીસીઆઇ (BCCI)એ આ દંડ વિરુદ્ધ આઇસીસીમાં અપીલ કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સૂર્યા વિરુદ્ધ મૅચ રેફરીને ફરિયાદ કરી હતી અને એને આધારે મૅચ રેફરીએ આવી રાજકીય ટિપ્પણી હવે પછી ટાળવી એવી ચેતવણી પણ ગુરુવારે સૂર્યાને આપી હતી.
બીસીસીઆઇની નજીકના એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ` સૂર્યકુમારે પોતાના દેશના સશસ્ત્ર દળોને અને આતંકી હુમલામાં ભોગ બનેલાઓને જીત સમર્પિત કરીને આઇસીસીની આચારસંહિતનો કોઈ પણ રીતે ભંગ કર્યો જ નથી. બીસીસીઆઇ જેવી સંસ્થાએ સૂર્યાને ચેતવણી અપાય એ પણ સાંખી ન લેવું જોઈએ, કારણકે એ ચેતવણી જો સ્વીકારવામાં આવે તો એનો અર્થ એ થાય કે સૂર્યા કસૂરવાર છે.’
દરમ્યાન, ભારતે કરેલી ફરિયાદને આધારે આઇસીસીએ પાકિસ્તાનના ખેલાડી હારિસ રઉફને 30 ટકાનો દંડ ફટકાર્યો છે, પરંતુ બૅટથી ` ગન સેલિબે્રશન’ કરનાર સાહિબઝાદા ફરહાનને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો છે. આઇસીસીએ આખી પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ત્રણેય ખેલાડી સામે મૅચ રેફરીએ લીધેલા પગલાં બાબતમાં કંઈ જ સત્તાવાર અહેવાલ બહાર નથી પાડ્યો અને એ સોમવારે બહાર પાડશે.
આ પણ વાંચો…સૂર્યકુમાર પાસે આ બે રેકોર્ડ તોડવાની તક; આ મામલે વિરાટ-રોહિતથી માત્ર આટલો દુર