બીસીસીઆઇની 4,193 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી : જાણો…કયા રેકૉર્ડ તોડ્યા, કેટલું છે બૅન્ક બૅલેન્સ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બીસીસીઆઇની 4,193 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી : જાણો…કયા રેકૉર્ડ તોડ્યા, કેટલું છે બૅન્ક બૅલેન્સ

નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ગયા પાંચ વર્ષમાં કમાણીના અનેક રેકૉર્ડ તોડ્યા છે. એ સમયગાળામાં બીસીસીઆઇને કુલ 14,627 કરોડ રૂપિયાની આવક (INCOME) કરી છે.

બીસીસીઆઇ ક્રિકેટ જગતનું સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ છે. ક્રિકેટની દુનિયામાં બીસીસીઆઇ જેટલા પૈસા બીજું કોઈ બોર્ડ નથી કમાતું. એટલે જ ક્રિકેટરોમાં સૌથી વધુ વાર્ષિક પગાર તેમ જ સૌથી વધુ મૅચ-ફી સહિતનું મહેનતાણું ભારતીય ખેલાડીઓને જ મળે છે. હાલમાં બીસીસીઆઇ ટીમ-સ્પૉન્સરશિપની બાબતમાં થોડી અડચણનો સામનો કરી રહ્યું છે, પરંતુ નાણાકીય મોરચે આ બોર્ડની પ્રગતિ અભૂતપૂર્વ છે.

આપણ વાંચો: બીસીસીઆઇએ ` ગંભીર ઈજામાં ખેલાડીના રિપ્લેસમેન્ટ’નો નિયમ અપનાવ્યોઃ હવે આઇસીસી અનુકરણ કરશે?

બીસીસીઆઇની કમાણીને લગતો તાજો અહેવાલ (REPORT) બહાર આવ્યો છે જે અન્ય દેશોના ક્રિકેટ બોર્ડને ચોંકાવી દે એવો છે. બીસીસીઆઇએ છેલ્લા પાંચ વર્ષમાં બમ્પર કમાણી કરી છે. આ તમામ આંકડા 28મી સપ્ટેમ્બરની વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.

એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટના અહેવાલ અનુસાર રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનોને વાર્ષિક હિસ્સો આપ્યા પછી પણ બીસીસીઆઇની તિજોરીમાં ભારે વધારો નોંધાયો છે.

આપણ વાંચો: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બીસીસીઆઇએ કેમ તાલીમ માટે તાબડતોબ બેંગલૂરુ બોલાવ્યો?

બીસીસીઆઇની આંકડાબાજી

(1) ગયા વર્ષે (2023-’24) બીસીસીઆઇએ 4,193 કરોડ રૂપિયાની કમાણી કરી.
(2) ભારતીય ક્રિકેટ બોર્ડનું બૅન્ક બૅલેન્સ 20,686 કરોડ રૂપિયા છે.
(3) બોર્ડનું જનરલ ફંડ 2019માં 3,906 કરોડ રૂપિયા હતું એ 2024ની સાલમાં બમણું વધીને 7,988 કરોડ રૂપિયા થઈ ગયું.
(4) બીસીસીઆઇ કરવેરા માટે મોટી રકમ બાજુ પર રાખે છે. 2023-’24ના નાણાકીય વર્ષમાં આ ક્રિકેટ બોર્ડ દ્વારા 3,150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી.
(5) ઘરઆંગણે વીતેલા વર્ષમાં ઓછી સ્પર્ધાઓ હોવાથી બીસીસીઆઇની મીડિયા રાઇટ્સની આવક 2,524.80 કરોડ રૂપિયાથી ઘટીને 813.14 કરોડ રૂપિયા રહી, પરંતુ સિક્યૉર્ડ ડિપોઝિટ્સ સહિતના રોકાણ દ્વારા થયેલી આવક 533.05 કરોડ રૂપિયાથી વધીને 986.45 કરોડ રૂપિયા રહી હતી.
(6) આઇપીએલની કમાણી તેમ જ આઇસીસી તરફથી મળેલા હિસ્સા બાદ ક્રિકેટ બોર્ડની 2023-’24ના વર્ષમાં પુરાંત (અગાઉના વર્ષના) 1,167.99 કરોડ રૂપિયાથી વધીને 1,623.08 કરોડ રૂપિયા રહી.
(7) 2023-’24માં બીસીસીઆઇએ કુલ 1,200 કરોડ રૂપિયા માળખાકીય વિકાસ માટે, 350 કરોડ રૂપિયા પ્લેટિનમ જ્યુબિલી બેનેવૉલન્ટ ફંડ માટે અને 500 કરોડ રૂપિયા ક્રિકેટના વિકાસ માટે ફાળવ્યા હતા.
(8) રાજ્યોના ક્રિકેટ ઍસોસિયેશનોને 1,990.18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને વર્તમાન વર્ષમાં 2,013.97 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે એવો અંદાજ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button