7,200થી વધુ રન બનાવ્યા છતાં ભારત વતી રમવા ન મળ્યું, સૌરાષ્ટ્રના આ બૅટરે છેવટે નિવૃત્તિ લઈ લીધી
![Despite scoring over 7,200 runs, this Saurashtra batsman finally retired](/wp-content/uploads/2025/02/Sheldon-Jackson.webp)
રાજકોટઃ સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટેની ટીમના ભરોસાપાત્ર અને ટૅલન્ટેડ બૅટર શેલ્ડન જૅક્સને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. 38 વર્ષની ઉંમરના જૅક્સને રણજી ટ્રોફી સહિતની પ્રથમ કક્ષાની સવાતેર વર્ષની કરીઅરમાં કુલ 106 મૅચની 174 ઇનિંગ્સમાં 7,283 રન બનાવ્યા હતા. ઢગલો રન કરી આપતા આ બૅટરને આઇપીએલની બે ફ્રૅન્ચાઇઝી (કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ)એ પોતાની ટીમમાં સમાવ્યો હતો અને આઇપીએલમાં કુલ નવ મૅચ રમ્યો છે, પરંતુ તેને ક્યારેય ભારત વતી રમવાનો મોકો નહોતો મળ્યો.
રાઇટ-હૅન્ડ બૅટર શેલ્ડન જૅક્સન ડિસેમ્બર, 2011માં દિલ્હીમાં સૌરાષ્ટ્ર વતી પ્રથમ ફર્સ્ટ-ક્લાસ મૅચ રેલવે સામે રમ્યો હતો. આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના પરાજય સાથે પૂરી થયેલી ગુજરાત સામેની રણજી ક્વૉર્ટર ફાઇનલ મૅચ તેની અંતિમ ફર્સ્ટ-ક્લાસ મૅચ હતી.
વિદેશી ખેલાડી જેવા દેખાતા શેલ્ડન ફિલિપ જૅક્સનનો જન્મ સપ્ટેમ્બર, 1986માં ભાવનગરમાં થયો હતો. તે વિકેટકીપિંગ પણ કરતો હતો અને છ મૅચમાં તેણે ઑફ-સ્પિન બોલિંગમાં બે વિકેટ પણ લીધી હતી. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 21 સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી ફટકારી હતી. 186 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. તેની 45.80ની બૅટિંગ-ઍવરેજ એ વાતનો પુરાવો છે કે સવાતેર વર્ષની કારકિર્દીમાં તે સતત સારું રમ્યો હતો. તેની ફીલ્ડિંગ પણ સૌરાષ્ટ્રની ટીમને ઘણી મૅચોમાં ખૂબ ફાયદારૂપ થઈ હતી. મર્યાદિત ઓવરની મૅચોમાં તે સૌરાષ્ટ્ર વતી વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળતો હતો. જોકે લાંબા ફૉર્મેટની મૅચો (ચારથી પાંચ દિવસની મૅચો)માં સાગર જોગિયાણી સારી વિકેટકીપિંગ કરતો હોવાથી જૅક્સનની જરૂર નહોતી પડતી.
આજે ગુજરાતના વિજય સાથે પૂરી થયેલી પાંચ દિવસીય રણજી ક્વૉર્ટર ફાઇનલમાં જૅક્સને 14 અને 27 રન બનાવ્યા હતા. ગુજરાતે આ મૅચ એક દાવ અને 98 રનથી જીતી લીધી અને એ સાથે જૅક્સનની કરીઅર પર પડદો પડી ગયો. ગયા મહિને જૅક્સને પ્રથમ કક્ષાની મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. એમાં તેણે 84 ઇનિંગ્સમાં કુલ 2,792 રન બનાવ્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે શેલ્ડન જૅક્સનની કરીઅરને બિરદાવી હતી અને ક્રિકેટ તેમ જ સૌરાષ્ટ્રની ટીમ પ્રત્યેની તેની સમર્પિતતા, અથાક મહેનત તેમ જ અસાધારણ પર્ફોર્મન્સીસ બદલ તેની કારકિર્દીને ખૂબ વખાણી હતી અને જણાવ્યું હતું કે તેના યોગદાનો આશાસ્પદ ક્રિકેટરોને પ્રેરણા આપતા રહેશે.
આ પણ વાંચો : પૂજારા પછી જૅક્સનની પણ સદી, બોલરોએ સૌરાષ્ટ્રને વિજયની આશા અપાવી
રણજી ટ્રોફીમાં સૌથી વધુ સિક્સર :
(1) 141ઃ શેલ્ડન જૅક્સન
(2) 110ઃ પારસ ડોગરા
(3) 98ઃ નમન ઓઝા
(4) 96ઃ શ્રેયસ ઐયર
(5) 95ઃ મનીષ પાન્ડે