વાઇડ બૉલમાં હિટવિકેટ! સીપીએલમાં બૅટ્સમૅન વિચિત્ર રીતે આઉટ થયો

ટૅરૌબાઃ ક્રિકેટની રમત અનોખા વળાંકો લાવનારી અને કંઈકને કંઈક નવી ઝલક બતાવનારી છે અને એમાં પણ હવે તો ટી-20નો જમાનો છે જેમાં પહેલા બૉલથી જ તીવ્ર સ્પર્ધા શરૂ થઈ જાય છે અને દરેક ખેલાડી ઉતાવળમાં કોઈક ભૂલ કરી બેસે તો દુનિયાભરમાં તેની એ ભૂલ કે બ્લન્ડર વાઇરલ થઈ જાય છે. શનિવારે અહીં કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL)માં આવું જ બન્યું. શાઈ હોપ નામનો વેસ્ટ ઇન્ડિઝનો અનુભવી ખેલાડી વિચિત્ર રીતે આઉટ થયો હતો. તે વાઇડ બૉલમાં હિટ વિકેટ થયો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમની કૅપ્ટન્સી સંભાળતો શાઇ હોપ સીપીએલમાં ગયાના ઍમેઝોન વૉરિયર્સ ટીમ વતી રમે છે. શનિવારે ટ્રિન્બેગો નાઇટ રાઇડર્સ સામે તે બહુ સારું રમી રહ્યો હતો. તેણે 28 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી 39 રન કર્યા હતા અને તે પોતાના 29મા બૉલ પર વિચિત્ર સંજોગોમાં વિકેટ ગુમાવી બેઠો હતો. ગયાનાની ઇનિંગ્સની 15મી ઓવર 33 વર્ષની ઉંમરના પેસ બોલર ટેરેન્સ હાઇન્ડ્સે કરી હતી જેમાં તેનો પહેલો જ બૉલ વાઇડ હતો. હાઇન્ડ્સને એ વાઇડ બૉલ બદલ અફસોસ થયો, પણ બીજી જ પળે તે નાચી ઊઠ્યો હતો. શાઇ હોપ એ વાઇડ બૉલમાં વિકેટ ગુમાવશે એવું કોઈએ ધાર્યું નહીં હોય, પણ ખરેખર એવું બન્યું હતું.
Unbelievable scenes!
— CPL T20 (@CPL) August 31, 2025
Hit wicket off a wide! #CPL25 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #Sky365 pic.twitter.com/L89OhDqcuB
બૉલ સુધી નહીં, સ્ટમ્પ્સ પર બૅટ પહોંચી ગયું!
હાઇન્ડ્સથી એ વાઇડ બૉલ પડ્યો એ પહેલાંની ક્ષણથી જ શાઇ હોપ (Shai Hope) રિવર્સ-સ્વીપની તૈયારીમાં દેખાયો હતો. વાઇડ બૉલ શાઈ હોપની પહોંચની બહાર હતો, પરંતુ એમાં પણ તે રિવર્સ સ્વીપ શૉટ રમ્યો હતો. એ દુઃસાહસમાં તે બૅટને બૉલ સુધી તો નહોતો પહોંચાડી શક્યો, પણ સ્ટમ્પ્સ પર બૅટ જરૂર પહોંચાડી દીધું હતું. શૉટ મારવામાં નિષ્ફળ ગયા બાદ શાઇ હોપથી ફટાક દઈને બૅટ સ્ટમ્પ્સને લાગી ગયું હતું, ત્રણેય સ્ટમ્પ્સ લાઇટથી ઝગમગી ઉઠ્યા હતા અને તે વિચિત્ર સ્થિતિમાં હિટ-વિકેટ (Hit wicket) આઉટ જાહેર થયો હતો.
સાત બોલર ટ્રિન્બેગોને ન નમાવી શક્યા
આ મૅચમાં નિકોલસ પૂરનના સુકાનમાં ટ્રિન્બેગો નાઇટ રાઇડર્સનો ઇમરાન તાહિરના નેતૃત્વવાળી ગયાના (Guyana) ઍમેઝોન વૉરિયર્સ સામે છ વિકેટે વિજય થયો હતો. ગયાનાએ નવ વિકેટે 163 રન કર્યા પછી ટ્રિન્બેગો (Trinbago) ટીમે બ્રિટિશ ઓપનર ઍલેક્સ હેલ્સના 74 રન તથા ન્યૂ ઝીલૅન્ડના કૉલિન મન્રોના બાવન રનની મદદથી 17.2 ઓવરમાં ચાર વિકેટના ભોગે 169 રન કરીને વિજય મેળવી લીધો હતો. આન્દ્રે રસેલની છેલ્લી પળોની ફટકાબાજીએ પણ રંગ રાખ્યો હતો. તેણે અને કીરૉન પોલાર્ડ (12 અણનમ)ની જોડીએ ટ્રિન્બેગોને 16 બૉલ વહેલી જીત અપાવી હતી. રસેલે 14 બૉલમાં ત્રણ સિક્સર તથા એક ફોરની મદદથી અણનમ 27 રન કર્યા હતા. ગયાનાના સાત બોલર પણ ટ્રિન્બેગોની ટીમને મુશ્કેલીમાં નહોતા મૂકી શક્યા. ચારેય વિકેટ સુકાની ઇમરાન તાહિરે લીધી હતી, પણ તેની બધી મહેનત પાણીમાં ગઈ હતી.
આ પણ વાંચો…રિઝવાન પડી જતાં તેની મજાક ઉડી, ` યૂં હી ફિસલ ગયે હા હા હા…’