સ્પોર્ટસ

બાસ્કેટબૉલની કોર્ટમાં થાંભલા પડ્યા, રાષ્ટ્રીય ખેલાડી સહિત બે ટીનેજરના મૃત્યુ

ચંડીગઢઃ હરિયાણામાં બાસ્કેટબૉલની પ્રૅક્ટિસમાં એકસરખી બે ટ્રૅજેડીમાં રાષ્ટ્રીય સ્તરના એક જુનિયર લેવલના ખેલાડી સહિત કુલ બે ટીનેજરના મૃત્યુથી ખળભળાટ મચી ગયો છે. બન્ને અલગ બનાવમાં બાસ્કેટબૉલની કોર્ટમાં લોખંડનો થાંભલો પડતાં બન્ને ખેલાડીના મૃત્યુ નીપજ્યા હતા. પરિણામે, આ રાજ્યમાં ખેલકૂદને લગતી માળખાકીય સગવડોમાં રહેલી ક્ષતિઓ છતી થઈ ગઈ છે. વિપક્ષોએ ભાજપ-શાસિત રાજ્યમાં ઊહાપોહ મચાવ્યો છે. ભોગ બનેલા કિશોરોના પરિવારના સભ્યો પણ ફરિયાદ સાથે તેમની સાથે જોડાયા છે.

રાષ્ટ્રીય સ્તરની સબ-જુનિયર બાસ્કેટબૉલ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા 16 વર્ષના હાર્દિક રાઠીનું મંગળવારે રોહતકમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેનાથી એક વર્ષ નાનો અમન સોમવારે આવા જ બનાવમાં મૃત્યુ પામ્યો હતો.

હાર્દિક રાઠી બૉલને બાસ્કેટમાં પધરાવવા જેવો ઊંચો થયો અને બાસ્કેટને તેનો હાથ અડ્યો કે બાસ્કેટ સાથે જોડાયેલો આખો થાંભલો તેની છાતી પર આવી પડ્યો હતો અને એની નીચે તે કચડાઈ ગયો હતો. તેના શરીરના અંદરના ભાગમાં ખૂબ લોહી વહ્યું હતું. હાર્દિકને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના મોટા ભાઈ ખડક સિંહે પત્રકારોને કહ્યું, ` એ થાંભલાની હાલત એટલી બધી ખરાબ હતી કે સંબંધિત અધિકારીઓનું વારંવાર ધ્યાન દોર્યું હતું છતાં થાંભલો એ જ હાલતમાં હતો. મારો ભાઈ અન્ડર-14 કે અન્ડર-17માંથી એક પણ સ્પર્ધા નહોતો ચૂક્યો. એક દિવસ ભારતની બાસ્કેટબૉલ (Basketball) ટીમનું નેતૃત્વ સંભાળવાનું તેનું સપનું હતું.’

હાર્દિકના મિત્ર રોહિતે કહ્યું કે અમે કેટલાક મિત્રોએ નાનો બ્રેક લીધો, પણ હાર્દિક પ્રૅક્ટિસ કરતો રહ્યો હતો અને ત્યારે આ ટ્રૅજેડી (Tragedy) થઈ હતી.’

હરિયાણાના ખેલકૂદ પ્રધાન ગૌરવ ગૌતમે પત્રકારોને કહ્યું હતું કે ` આ કમનસીબ ઘટનાની તપાસ શરૂ થઈ ચૂકી છે. જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક પગલાં લેવાશે. અમે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઑફિસરને સસ્પેન્ડ કર્યા છે. આ સ્પોર્ટ્સ નર્સરી પંચાયતના કારભાર હેઠળ હતી.’

એ અગાઉ, રવિવારે રોહતક (Rohtak)ની એક સરકારી સ્કૂલમાં અમન નામના બાસ્કેટબૉલ ખેલાડી પર થાંભલો આવી પડતાં તેનું સોમવારે મૃત્યુ થયું હતું. ઝજ્જાર જિલ્લા સ્પોર્ટસ ઑફિસર સતેન્દર કુમારે પીટીઆઇને કહ્યું, ` થાંભલો સારી હાલતમાં નહોતો. કૉંગે્રસના સાંસદ દીપેન્દર હૂડાએ ગામમાં બે મેદાન તૈયાર કરાવડાવ્યા હતા અને 2023માં 11 લાખ રૂપિયા એમપીએલએડીએસમાંથી મંજૂર કરાવ્યા હતા, પરંતુ સંબંધિત અધિકારીઓ એ ફંડ દબાવી રાખ્યું અને બાસ્કેટબૉલની કોર્ટનો થાંભલો રીપેર નહોતો કરાવ્યો.’

આપણ વાંચો:  બિહારના પરિણામોના આફ્ટરશોક

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button