પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે પોતાના જ દેશની ટીમને ચેતવતાં કહ્યું, ` ભારત ઇતના મારેગા કિ સોચા ભી નહીં હોગા’

કરાચીઃ વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચમાં પાંચ બૅટ્સમેનના ઝીરો સહિત આખી પાકિસ્તાની ટીમ ફક્ત 92 રનમાં આઉટ થઈ જતાં 202 રનના સૌથી મોટા માર્જિનથી હારી ગઈ એને પગલે બાસિત અલી (Basit Ali)એ પોતાના જ દેશની ટીમને આવતા મહિને યુએઇમાં રમાનારા એશિયા કપ (Asia Cup)નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ` ભારત ઇતના મારેગા કિ સોચા ભી નહીં હોગા.’
દુશ્મન દેશ પાકિસ્તાન (Pakistan) સામે એશિયા કપમાં રમવા સામે ભારત (India)માં જે વિરોધ થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને બાસિત અલીએ પાકિસ્તાનના ક્રિકેટરોને ચેતવતાં કહ્યું છે કે ` જો ભારત એશિયા કપમાં પાકિસ્તાન સામે રમશે તો પાકિસ્તાનની ટીમે એવી હાર જોવી પડશે કે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય.
આ પણ વાંચો: ‘જુઓ, રિઝવાન 100 રન માટે સેન્ચુરી ચૂકી ગયો!’: ઇંગ્લૅન્ડના અમ્પાયરે પાકિસ્તાની કેપ્ટનની જબરી મજાક ઉડાવી…
ટૅરૌબા (ટ્રિનિદાદ)માં બે દિવસ પહેલાં રમાયેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝે કૅપ્ટન શાઇ હોપ (અણનમ 120)ની 18મી સેન્ચુરીની મદદથી છ વિકેટે 294 રન કર્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાને પહેલા આઠ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી અને ત્યાર પછી પણ સમયાંતરે વિકેટ પડતી રહી અને આખી ટીમ પત્તાના મહેલની માફક તૂટી પડી હતી અને પાકિસ્તાને શર્મનાક હાર જોવી પડી હતી. સઇમ અયુબ, અબ્દુલ્લા શફીક, કૅપ્ટન મોહમ્મદ રિઝવાન, હસન અલી અને અબ્રાર અહમદ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. ફાસ્ટ બોલર જેડન સીલ્ઝે 18 રનમાં છ વિકેટ અને ગુડાકેશ મૉટીએ 37 રનમાં બે વિકેટ લીધી હતી.
તાજેતરમાં ભારતે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)ની બે મૅચમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો હતો. બાસિત અલીએ એક યુટ્યૂબ ચૅનલ પર કહ્યું છે કે ` હું તો ઇચ્છું છું કે એશિયા કપમાં પણ ભારતે પાકિસ્તાન સામે રમવાની ના પાડી દેવી જોઈએ. જો એવું નહીં થાય તો ભારતીય ટીમ પાકિસ્તાનની એટલી બધી ધુલાઈ કરશે કે પાકિસ્તાની ટીમે વિચાર્યું પણ નહીં હોય.’
આ પણ વાંચો: T20 World Cup: ‘ફ્લાઈટ પકડો અને ઘરે આવી જાઓ’ આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
29મી ઑગસ્ટે યુએઇમાં ટ્રાયસિરીઝ શરૂ થઈ રહી છે જેમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની મજબૂત ટીમ સામે રમવાનું છે એને લક્ષમાં રાખીને ચૅનલ પર ઍન્કરે બાસિત અલીને એ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, ` અફઘાનિસ્તાન સામે હારી જવાય તો પાકિસ્તાનમાં લોકો ખાસ કંઈ પરવા નથી કરતા, પણ ભારત સામે હારતાં જ આખામાં દેશમાં આક્રોશ ફેલાઈ જાય છે.’