સ્પોર્ટસ

રાજકોટમાં હાર્દિકની આતશબાજી, એક ઓવરમાં પાંચ સિક્સર ઝીંકી દીધી…

રાજકોટઃ ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ અહીં વિદર્ભ સામેની વિજય હઝારે ટ્રોફીની મૅચમાં આતશબાજી કરી હતી જેમાં તેણે એક ઓવરમાં પાંચ છગ્ગા (Five Sixers) ફટકારી દીધા હતા અને તેણે 92 બૉલમાં કુલ 11 સિક્સર અને આઠ ફોર સાથે 133 રનનો ખડકલો કરી દીધો હતો. હાર્દિકની આ આક્રમક સેન્ચુરીની બરોડાએ 50 ઓવરમાં નવ વિકેટે 293 રન બનાવ્યા હતા.

બરોડાની ઇનિંગ્સમાં 39મી ઓવર વિદર્ભના સ્પિનર પાર્થ રેખાડેએ કરી હતી જેમાં હાર્દિકે પાંચ સિક્સર અને એક ફોર સહિત કુલ 34 રન બનાવ્યા હતા. તેણે પાર્થના પહેલા પાંચેય બૉલમાં છગ્ગા ફટકાર્યા હતા અને છેલ્લા બૉલમાં ચોગ્ગો માર્યો હતો. હાર્દિકની મોટા ભાગની સિક્સરમાં બૉલ મિડવિકેટ તથા લૉન્ગ-ઑન પરથી ગયા હતા. આખી ઇનિંગ્સમાં હાર્દિકનું વર્ચસ્વ હતું, કારણકે ટીમમાં તેના પછીનો સેક્નડ-હાઇએસ્ટ સ્કોર વિષ્ણુ સોલંકી (26 રન)નો હતો.

https://twitter.com/BCCIdomestic/status/2007361735918006739?s=20

વિદર્ભ (Vidarbh)એ એક સમયે 71 રનમાં બરોડાની પાંચ વિકેટ લઈને એને મુસીબતમાં મૂકી દીધું હતું અને 31મી ઓવરમાં બરોડાએ 136 રનના સ્કોર પર કૅપ્ટન કૃણાલ પંડ્યાની છઠ્ઠી વિકેટ પણ ગુમાવી હતી, પરંતુ આ વન-ડે ટૂર્નામેન્ટમાં પહેલી વાર રમી રમીને સાતમા ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવેલા હાર્દિકે બાજી સંભાળી લીધી હતી અને કેટલીક નાની ભાગીદારીની મદદથી ટીમને સધ્ધર સ્થિતિમાં લાવી દીધી હતી.

આ પણ વાંચો…હાર્દિક પંડ્યા કાર સાફ કરતી વખતે ગર્લફ્રેન્ડ માહિકા સાથે થયો રૉમેન્ટિક

વિષ્ણુ સોલંકી (26 રન)ની સાતમી વિકેટ પડી ત્યારે બરોડાનો સ્કોર 181 રન હતો અને હાર્દિકની વિકેટ છેક 258 રનના ટોટલ પર પડી હતી. રાજ લિંબાણી (10 રન), મહેશ પીઠિયા (18 અણનમ) તથા કરણ ઉમટ (13 અણનમ)ના પણ બરોડાના 9/293ના સ્કોરમાં યોગદાન હતા.

હાર્દિકની આ 119મી લિસ્ટ-એ મૅચ હતી અને છેક હવે તે પહેલી વાર સદી ફટકારવામાં સફળ થયો. પછીથી 294 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ વિદર્ભએ બરોડાને સારા જવાબ સાથે શરૂઆત કરી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button