સ્પોર્ટસ

હાર્દિકની સતત પાંચ સિક્સરવાળી આતશબાજી એળે ગઈ, બરોડાને વિદર્ભએ હરાવ્યું…

રાજકોટઃ ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ અહીં શનિવારે વિદર્ભ સામેની વિજય હઝારે ટ્રોફીની મૅચમાં એક ઓવરમાં સતત પાંચ સિક્સરની આતશબાજી સહિત કુલ 133 રન કર્યા હતા એમ છતાં બરોડાની ટીમે વિદર્ભ સામે પરાજય જોવો પડ્યો હતો.

વિદર્ભને 294 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો અને ત્રણ બૅટ્સમેન અમન મોખાડે (150 અણનમ, 121 બૉલ, ચાર સિક્સર, સત્તર ફોર), અથર્વ ટેઇડ (65 રન, 53 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) અને ધ્રુવ શોરે (65 અણનમ, 76 બૉલ, છ ફોર)એ મળીને વિદર્ભને 50 બૉલ તથા નવ વિકેટ બાકી રાખીને વિજય અપાવ્યો હતો.

હાર્દિકની હિટિંગથી ગર્લફ્રેન્ડ માહિકા ખુશ

એ પહેલાં, હાર્દિકે આતશબાજીમાં એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા અને તેણે 92 બૉલમાં કુલ 11 સિક્સર તથા આઠ ફોર સાથે 133 રનનો ખડકલો કરી દીધો હતો. હાર્દિકની આ આક્રમક સેન્ચુરીની મદદથી બરોડાએ 50 ઓવરમાં નવ વિકેટે 293 રન બનાવ્યા હતા. બરોડાની ઇનિંગ્સમાં 39મી ઓવર વિદર્ભ (Vidarbh)ના સ્પિનર પાર્થ રેખાડેએ કરી હતી જેમાં હાર્દિકે પાંચ સિક્સર અને એક ફોર સહિત કુલ 34 રન બનાવ્યા હતા. તેણે પાર્થના પહેલા પાંચેય બૉલમાં છગ્ગા ફટકાર્યા હતા અને છેલ્લા બૉલમાં ચોગ્ગો માર્યો હતો. હાર્દિકની મોટા ભાગની સિક્સરમાં બૉલ મિડવિકેટ તથા લૉન્ગ-ઑન પરથી ગયા હતા. તેની પાંચમી સિક્સર વખતે સ્ટેન્ડમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ ઊભા થઈને તેને ફ્લાઇંગ કિસ આપી હતી.

આખી ઇનિંગ્સમાં હાર્દિકનું વર્ચસ્વ હતું, કારણકે ટીમમાં તેના પછીનો સેકન્ડ-હાઇએસ્ટ સ્કોર વિષ્ણુ સોલંકી (26 રન)નો હતો.

વિદર્ભએ એક સમયે 71 રનમાં બરોડાની પાંચ વિકેટ લઈને એને મુસીબતમાં મૂકી દીધું હતું, પરંતુ આ વન-ડે ટૂર્નામેન્ટમાં પહેલી વાર રમી રમીને સાતમા ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવેલા હાર્દિકે મોટા ભાઈ અને કૅપ્ટન કૃણાલ પંડ્યાની વિકેટ બાદ બાજી સંભાળી લીધી હતી અને કેટલીક નાની ભાગીદારીની મદદથી ટીમને સધ્ધર સ્થિતિમાં લાવી દીધી હતી. હાર્દિકની આ 119મી લિસ્ટ-એ મૅચ હતી અને છેક હવે તે પહેલી વાર સદી (133 રન) ફટકારવામાં સફળ થયો હતો.

વિષ્ણુ સોલંકી (26 રન)ની સાતમી વિકેટ પડી ત્યારે બરોડાનો સ્કોર 181 રન હતો અને હાર્દિકની વિકેટ છેક 258 રનના ટોટલ પર પડી હતી. રાજ લિંબાણી (10 રન), મહેશ પીઠિયા (18 અણનમ) તથા કરણ ઉમટ (13 અણનમ)ના પણ બરોડાના 9/293ના સ્કોરમાં યોગદાન હતા.

આ પણ વાંચો…રાજકોટમાં હાર્દિકની આતશબાજી, એક ઓવરમાં પાંચ સિક્સર ઝીંકી દીધી…

IANS

ગજ્જરે સૌરાષ્ટ્રને અને અક્ષરે ગુજરાતને વિજય અપાવ્યોઃ મુંબઈ હાર્યું, પણ શમીએ બેન્ગાલને જિતાડ્યું

(1) અલુરમાં બાવીસ વર્ષીય મૅન ઑફ ધ મૅચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન સમર ગજ્જર (147 રન, 135 બૉલ, ચાર સિક્સર, 14 ફોર)ની સેન્ચુરીની મદદથી સૌરાષ્ટ્રએ આઠ વિકેટે 294 રન કર્યા બાદ રેલવેની ટીમ પ્રેરક માંકડ તથા અંકુર પન્વારની ત્રણ-ત્રણ વિકેટ અને ચિરાગ જાનીની બે વિકેટને લીધે ઉપેન્દ્ર યાદવના 86 રન અને આશુતોષ શર્માના 65 રન છતાં 263 રન કરી શકી હતી અને સૌરાષ્ટ્રનો અંતિમ ઓવરમાં 31 રનથી વિજય થયો હતો.

 SHIV KUMAR PUSHPAKAR

(2) અલુરમાં ગુજરાતે અક્ષર પટેલ (130 રન, 111 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)ની સેન્ચુરી અને વિશાલ જયસ્વાલ (70 રન, 60 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી નવ વિકેટે 318 રન કર્યા હતા. આંધ્રની ટીમ ઓપનર ગણેશ્વરના 102 રનની મદદથી સાત વિકેટે 311 રન કરી શકી અને ગુજરાતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો. રવિ બિશ્નોઈએ ત્રણ તેમ જ અક્ષર પટેલ અને અર્ઝાન નાગવાસવાલાએ બે-બે વિકેટ લીધી હતી.

Emmanual Yogini

(3) જયપુરમાં આર્શિન કુલકર્ણીના 116 રન તથા ઋતુરાજ ગાયકવાડના 66 રન અને રામક્રિષ્ન ઘોષના અણનમ 64 રનની મદદથી મહારાષ્ટ્રએ ચાર વિકેટે 366 રન કર્યા પછી મુંબઈની ટીમ અંગક્રિશ રઘુવંશીના 92 રન અને સિદ્ધેશ લાડના બાવન રન છતાં 238 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં મહારાષ્ટ્રની 128 રનથી જીત થઈ હતી.

 KVS Giri

(4) રાજકોટમાં બેન્ગાલે અભિમન્યુ ઈશ્વરનના 102 રનની મદદથી સાત વિકેટે 302 રન કર્યા બાદ આસામની ટીમ ખાસ કરીને બેન્ગાલના મોહમ્મદ શમીની ત્રણ વિકેટને કારણે 217 રન કરી શક્યું હતું અને બેન્ગાલનો 85 રનથી વિજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button