પંડ્યા બંધુઓએ એક્સરખા પર્ફોર્મન્સથી બરોડાને જિતાડ્યું
શમીએ બેંગાલને અને રિન્કુ સિંહે ઉત્તર પ્રદેશને વિજય અપાવ્યો
ઇન્દોર: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં સોમવારે અહીં બરોડાએ ઉત્તરાખંડને આઠ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. કેપ્ટન કૃણાલ પંડ્યા અને તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાએ લગભગ એકસરખા પર્ફોર્મન્સથી બરોડાને રોમાંચક વિજય અપાવ્યો હતો.
કુણાલ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી તેમ જ કૃણાલે 45 રન અને હાર્દિકે 41 રનનું યોગદાન આપ્યું હતું.
ઉતરાખંડની ટીમે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 165 રન કર્યા હતા. એમાં રવિ સમર્થના 42 રન અને અવનીશ સુધાના 38 રન સામેલ હતા. બરોડાના બોલર લુકમાન મેરીવાલા અને અતિત શેઠે બે-બે વિકેટ લીધી હતી. હાર્દિકે એક કૅચ પકડ્યો હતો જ્યારે મહેશ પિઠીયાએ ત્રણ કૅચ ઝીલ્યા હતા.
બરોડાએ જવાબમાં 18.4 ઓવરમાં પાંચ વિકેટે 168 રન બનાવ્યા હતા. એમાં કૃણાલ પંડ્યા (45 રન, 35 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને હાર્દિક પંડયા (41 અણનમ, 21 બૉલ ત્રણ સિક્સર, બે ફોર)નો સૌથી મોટો ફાળો હતો. અતિત શેઠે બે ફોર અને બે સિક્સરની મદદથી 29 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2025ની આઈપીએલ માટે મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને 16.35 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે, જયારે કૃણાલ પંડયાને બેન્ગલૂરુના ફ્રેન્ચાઈઝીએ 5.75 કરોડ રૂપિયામાં ખરીદયો છે.
દરમ્યાન, રાજકોટમાં મોહમ્મદ શમીએ 21 રનમાં ત્રણ વિકેટ લઈને બેંગાલને હૈદરાબાદ સામેની મૅચમાં વિજય અપાવ્યો હતો. હૈદરાબાદે તિલક વર્માના 57 રનની મદદથી 137 રન બનાવ્યા હતા. બેંગાલે 17.5 ઓવરમાં બે વિકેટે 138 રન બનાવીને આસાનીથી મૅચ જીતી લીધી હતી.
Also Read – બિહારનો 13 વર્ષનો સૂર્યવંશી આઇપીએલનો સૌથી યુવાન, રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો…
વાનખેડેમાં ઉત્તર પ્રદેશે હિમાચલ પ્રદેશને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીતમાં ઉત્તર પ્રદેશના રિન્કુ સિંહ (45 અણનમ, 24 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની સૌથી મોટી ભૂમિકા હતી. હિમાચલની ટીમ ફક્ત 100 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશે 13.3 ઓવરમાં ત્રણ વિકેટે 104 રન બનાવીને વિજય મેળવ્યો હતો જેમાં માધવ કૌશિકના અણનમ 38 રન પણ સામેલ હતા. બંને વચ્ચે 74 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
ઇન્દોરમાં સૌરાષ્ટ્ર (20 ઓવરમાં 196/4) સામે ગુજરાતે (19.2 ઓવરમાં 199/5) ચાર બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. ગુજરાતના હેમાંગ પટેલ (57 રન, 36 બૉલ, 2 સિક્સર, 6 ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. જોકે ગુજરાતના વિજયમાં બોલર તેજસ પટેલ (બે વિકેટ) અને બૅટર સૌરવ ચૌહાણ (54 રન)ના પણ યોગદાન હતા.