બાંગ્લાદેશનાં 80 વર્ષનાં ચેસ-લેજન્ડ દિલ્હીની સ્પર્ધામાં ગેમ જીત્યાં | મુંબઈ સમાચાર

બાંગ્લાદેશનાં 80 વર્ષનાં ચેસ-લેજન્ડ દિલ્હીની સ્પર્ધામાં ગેમ જીત્યાં

નવી દિલ્હી: પાટનગર દિલ્હીના એક રિસોર્ટમાં આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા ચાલી રહી છે અને બાંગ્લાદેશથી 80 વર્ષની ઉંમરના મહિલા ચેસ ખેલાડી સૈયદા ખાતુન (Sayeda Khatun) આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા દિલ્હી આવ્યા છે. છ રાઉન્ડની આ સ્પર્ધામાં તેઓ એક ગેમ જીત્યાં છે અને એક ગેમ ડ્રો થઈ છે.

દિલ્હી ઈન્ટરનેશનલ ઓપન ગ્રેન્ડમાસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટની આ 21મી સીઝન છે અને એમાં દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં કુલ 1.21 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. દિલ્હીના તિવોલી ગાર્ડન્સ ખાતે આ સ્પર્ધા યોજાઈ છે અને આ એ જ સ્થળ છે જ્યાં વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે પોતાનું છેલ્લું ગ્રેન્ડમાસ્ટર (જીએમ) નોર્મ મેળવ્યું હતું.

બાંગ્લાદેશના 80 વર્ષીય ચેસ પ્લેયર સૈયદા ખાતુન ચેસ જગતમાં રાની હમીદ (Rani Hamid) તરીકે પણ ઓળખાય છે.

તેઓ 1985માં (40 વર્ષ પહેલાં) બાંગ્લાદેશની મહિલાઓમાં સૌપ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર (આઈએમ) બન્યા હતા. ત્યારે તેઓ 40 વર્ષના હતા.

80 વર્ષનાં સૈયદા ખાતુન સાથે બાંગ્લાદેશથી આશિયા સુલતાના (Ashiya Sultana) નામની 37 વર્ષીય ખેલાડી પણ આવી હતી, પરંતુ તે ભારતીય ઈમિગ્રેશન વિભાગમાં બ્લૅક લિસ્ટમાં હોવાથી તેને પાછી બાંગ્લાદેશ મોકલી દેવામાં આવી હતી.

આ પણ વાંચો…નોર્વે ચેસ ટુર્નામેન્ટ: ગુકેશે કાર્લસનને માત આપી, હતાશ કાર્લસને ચેસ બોર્ડ પર હાથ માર્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button