સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપની એક ટીમની કૅપ્ટને જુનિયર ખેલાડીઓની મારપીટ કરી એવો પેસ બોલરનો ગંભીર આક્ષેપ

ઢાકાઃ તાજેતરમાં મહિલા વર્લ્ડ કપની આઠ ટીમમાં છેક સાતમા નંબર પર રહેલી બાંગ્લાદેશ (Bangladesh)ની ટીમની કૅપ્ટન નિગાર સુલતાના જૉટી (Joty)એ કેટલીક જુનિયર ખેલાડીઓની મારપીટ કરી હોવાનો ગંભીર આક્ષેપ બાંગ્લાદેશની જ પેસ બોલર જહાંઆરા આલમે (Alam) કર્યો છે, પરંતુ આ આક્ષેપ દેશના ક્રિકેટ બોર્ડે તરત જ નકારી કાઢ્યો છે. પેસ બોલર આલમ બે મહિનાથી માનસિક તકલીફને કારણે બાંગ્લાદેશની ટીમમાં જગ્યા નથી મેળવી શકી.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું માનવું છે કે આલમનો આ આક્ષેપ પાયા વગરનો છે અને કમનસીબી કહેવાય કે તેણે આ ખોટો આક્ષેપ કર્યો છે.

પીટીઆઇના અહેવાલ મુજબ આલમે એક બાંગ્લાદેશી દૈનિકને આપેલી મુલાકાતમાં આ શૉકિંગ આક્ષેપ કરવા ઉપરાંત કેટલીક સાથી ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફ અને ટીમ મૅનેજમેન્ટ વિરુદ્ધ પણ આક્ષેપો કર્યા હતા.

આપણ વાચો: મહિલા વર્લ્ડ કપ: સાઉથ આફ્રિકા આજે ઇંગ્લૅન્ડ સામે બદલો લઈ શકશે?

આલમે મુલાકાતમાં કૅપ્ટન નિગાર સુલતાના જૉટી વિશે પૂછવામાં આવતાં કહ્યું, ` હું કંઈ જ નવું નથી કહી રહી. (નિગાર સુલતાના) જૉટી જુનિયર પ્લેયરોને ખૂબ મારતી હોય છે. વર્લ્ડ કપ દરમ્યાન કેટલીક જુનિયર ખેલાડીઓએ જ મને આવું કહ્યું હતું. એક જુનિયરે મને કહેલું કે હું એ ભૂલ ફરી કદી નહીં કરું, કારણકે મારે ફરી તમાચો ખાવો પડશે.’

ટી-20 અને વન-ડેમાં કુલ મળીને 100થી વધુ વિકેટ લઈ ચૂકેલી આલમે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે ` કેટલીક જુનિયર ખેલાડીઓએ મને કહ્યું કે અમને મારવામાં આવી હતી. દુબઈની તાજેતરની ટૂરમાં પણ તેણે (નિગારે) એક જુનિયર પ્લેયરને હૉટેલની રૂમમાં બોલવી હતી અને તેને લાફો માર્યો હતો.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button