બાંગ્લાદેશના ક્રિકેટરો ભારતમાં રમતા ડરે છેઃ મુંબઈ-કોલકાતાને બદલે ભારતની બહાર રમવાની માગણી…

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારને પગલે બીસીસીઆઇની સૂચના બાદ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને પોતાના સ્ક્વૉડમાંથી કાઢી નાખ્યો ત્યાર બાદ આ વિવાદમાં નવો વળાંક આવી રહ્યો છે.
કેટલાક અહેવાલો અનુસાર ફેબ્રુઆરીના મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ (BANGLADESH)ના ક્રિકેટરો મુંબઈ (MUMBAI) અને કોલકાતા (KOLKATA)માં નિર્ધારિત પોતાની મૅચો રમવાનું ટાળશે અને ભારતની બહાર કોઈ સ્થળે (મોટા ભાગે સંયુક્ત યજમાન શ્રીલંકાના કોલંબોમાં) રમવાની માગણી આઇસીસી સમક્ષ કરશે.
આ પણ વાંચો…પાકિસ્તાની ક્રિકેટરોની જેમ હવે બાંગ્લાદેશીઓ માટે પણ વર્ષો સુધી આઇપીએલના દરવાજા બંધ થઈ શકે…
વિશ્વ કપમાં બાંગ્લાદેશની મૅચો કોલકાતાના ઈડનમાં 7-14 ફેબ્રુઆરી દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ, ઇટલી તથા ઇંગ્લૅન્ડ સામે તેમ જ 17મી ફેબ્રુઆરીએ વાનખેડેમાં નેપાળ સામે રમાવાની છે.
જોકે ભારતે મુસ્તફિઝુર સામે હકાલપટ્ટીનું પગલું લીધું એ કારણસર તેમ જ ભારતમાં પોતાના ક્રિકેટરો પર હુમલા થઈ શકે એવા ડરને લીધે બાંગ્લાદેશ બોર્ડ વર્લ્ડ કપની મૅચો ભારતમાં રમવા નથી માગતું એવું શનિવારે રાત્રે જાણવા મળ્યું હતું.
ભારતે 1971માં પાકિસ્તાનથી જેને આઝાદી અપાવી એ જ બાંગ્લાદેશ હવે ભારત સાથે દુશ્મની પર ઊતર્યું છે અને પોતાને ત્યાં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકી નથી શક્તું.



