વર્લ્ડ ચૅમ્પિયન સ્પિનરને બાંગલાદેશે વર્લ્ડ કપ સુધી બનાવ્યો સ્પિન-બોલિંગ કોચ
ઢાકા: જૂનમાં ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો છે એટલે મેદાન પરથી નિવૃત્તિ લઈને હવે મેદાનની બહાર રહીને હરીફ ટીમ પર અસર પાડનારાઓની બોલબાલા વધી ગઈ છે.
પાકિસ્તાનનો ભૂતપૂર્વ લેગ-સ્પિનર મુશ્તાક અહમદ પોતાના દેશની ટીમને તેમ જ ઇંગ્લૅન્ડને સ્પિન બોલિંગ-કોચ તરીકે ઘણી મદદ કરી ચૂક્યો છે, પણ હવે બાંગલાદેશમાં તેની ડિમાન્ડ છે.
બાંગલાદેશ ક્રિકેટ બોર્ડે મુશ્તાકને જૂનના ટી-20 વર્લ્ડ કપના અંત સુધી સ્પિન બોલિંગ-કોચ બનાવ્યો છે.
મુશ્તાક આવતા મહિનાથી જ કામે લાગી જવાનો છે. મે મહિનામાં ઝિમ્બાબ્વે સામે બાંગલાદેશની ટી-20 સિરીઝ રમાશે અને ત્યારથી મુશ્તાક બાંગલાદેશના સ્પિનરોને તાલીમ આપશે.
આ પણ વાંચો: ‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું યશસ્વી બોલ્યો અને સપનું થયું સાકાર
53 વર્ષનો મુશ્તાક બાંગલાદેશને ટી-20માં વિશ્ર્વની સૌથી ડેન્જરસ ટીમોમાં ગણાવે છે અને એવું પણ માને છે કે આ ટીમ કોઈ પણ હરીફ ટીમને હરાવી શકે એમ છે. મુશ્તાક કહે છે, ‘જો કોઈ ખેલાડી આવું નહીં માનતો હોય તો હું તેનામાં આત્મવિશ્ર્વાસ ભરીશ અને તે પણ સાથી ખેલાડીઓની જેમ પોતાને મજબૂત ખેલાડી માનશે.’
મુશ્તાક અહમદની નિયુક્તિ શ્રીલંકાના મહાન સ્પિનર રંગાના હેરાથના સ્થાને થઈ છે. હેરાથ બે વર્ષ સુધી બાંગલાદેશનો સ્પિન બોલિંગ-કોચ હતો.
શ્રીલંકાનો ચંડિકા હથુરાસિંઘે બાંગલાદેશનો હેડ-કોચ છે, જ્યારે ડેવિડ હેમ્પ બૅટિંગ-કોચ અને આન્દ્રે એડમ્સ ફાસ્ટ બોલિંગ-કોચ છે.
આ પણ વાંચો: T20 World Cup: વિરાટ કેપ્ટન રોહિત સાથે ઓપનીંગ કરતો જોવા મળી શકે છે! સિલેક્ટર્સ કરી રહ્યા છે વિચારણા
મુશ્તાક 2008થી 2014 સુધી ઇંગ્લૅન્ડની ટીમનો સ્પિન બોલિંગ-કોચ હતો.
મુશ્તાક 1992માં પાકિસ્તાનની વર્લ્ડ કપ વિજેતા ટીમમાં હતો. તે 144 વન-ડે અને બાવન ટેસ્ટ રમ્યો હતો. તેણે કુલ 346 ઇન્ટરનૅશનલ વિકેટ લીધી હતી.