સ્પોર્ટસ

બાંગ્લાદેશમાં જોરદાર માગણી, ` આઇપીએલની મૅચો પ્રસારિત નહીં કરતા’

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે (Bangladesh) આગામી ફેબ્રુઆરીમાં મેન્સ ટી-20 વર્લ્ડ કપની મૅચો રમવા પોતાના ખેલાડીઓને ભારત નહીં મોકલવાનો જે અપેક્ષિત નિર્ણય લીધો ત્યાર પછી હવે બાંગ્લાદેશમાં એવી માગણી થઈ રહી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની એક પણ મૅચનું બાંગ્લાદેશમાં પ્રસારણ ન થવું જોઈએ.

બાંગ્લાદેશ સરકારના માહિતી-પ્રસારણ વિભાગના સલાહકાર સૈયદા રિઝવાના હસને કહ્યું છે કે 2026ની આઇપીએલની મૅચો બાંગ્લાદેશભરમાં ન પ્રસારિત કરવા જોરદાર માગણી થઈ છે અને સરકાર આઇપીએલનું પ્રસારણ રોકવા વિચારી રહી છે.

આ પણ વાંચો : રહમાનને પડતો મૂકવાના બીસીસીઆઈના નિર્ણય મુદ્દે ધમકી: યુબીટી નેતાનો દાવો…

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ 9.20 કરોડ રૂપિયામાં ખરીદેલા પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને હરાજીમાં ખરીદ્યા બાદ કેકેઆરની ટીમમાંથી હવે કાઢી મૂકવામાં આવ્યો એને પગલે બાંગ્લાદેશના શાસકો રિસાઈ ગયા છે અને એનો ગુસ્સો પોતાના દેશમાં દર વર્ષે થતા આઇપીએલના પ્રસારણ પર ઊતાર્યો છે.

સૈયદા રિઝવાના હસને ઢાકામાં સ્થાનિક મિડિયામેન માટેના સમારોહને સંબોધતા કહ્યું, ` આઇપીએલમાં આપણા મુસ્તફિઝુર રહમાનને અન્યાય થયો છે. ક્રિકેટને લગતા કોઈ કારણસર તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હોત તો સમજી શકાત, પરંતુ જે કારણથી તેને ડ્રૉપ કરાયો છે એ બહુ ખોટું કહેવાય.’

આ પણ વાંચો : મુસ્તફિઝુર 9.20 કરોડ રૂપિયામાં સાઇન થયો અને 18 દિવસમાં આખી રકમ ગુમાવી દીધી

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકોની હત્યા, હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર તેમ જ હિન્દુ નાગરિકો પરના અત્યાચારની જે ઘટનાઓ બની છે એને પગલે ભારતભરમાં મુસ્તફિઝુરના આઇપીએલમાં રમવા સામે પ્રચંડ વિરોધ શરૂ થયો જેને પગલે કેકેઆરે તેને બીસીસીઆઇની સૂચના બાદ સ્ક્વૉડમાંથી કાઢી નાખવો પડ્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button