સ્પોર્ટસ

બાંગ્લાદેશ ક્રિકેટમાં બળવોઃ ક્રિકેટરોએ શા માટે પોતાની જ ટી-20 લીગનો બહિષ્કાર કર્યો?

ઢાકાઃ આવતા મહિને મેન્સ ટી-20 વર્લ્ડ કપની મૅચો રમવા વિશે અસલામતીના ડરથી બાંગ્લાદેશના ક્રિકેટરો ભારતમાં આવતા ડરી રહ્યા છે અને એને પગલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના સંબંધો ભારત સાથે તેમ જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સાથે બગડ્યા છે એવામાં ખુદ બાંગ્લાદેશમાં ક્રિકેટરોએ બળવો પોકાર્યો છે. તેમણે પોતાના જ ક્રિકેટ બોર્ડ પર નિશાન તાક્યું છે. ક્રોધિત ક્રિકેટરોએ પોતાના જ દેશની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)નો બૉયકૉટ કર્યો છે. એટલું જ નહીં, ખેલાડીઓએ તમામ પ્રકારની ક્રિકેટને લગતી પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની ધમકી પણ આપી છે. 26મી ડિસેમ્બરે શરૂ થઈ ગયેલી બીપીએલની ગુરુવારની પહેલી મૅચ સમયસર શરૂ નહોતી થઈ શકી.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન તમીમ ઇકબાલને ભારતનો એજન્ટ કહેનાર બીસીબીના ડિરેકટર એમ. નજમુલ ઇસ્લામે એક ગંભીર અને અપમાનજનક ટિપ્પણી કરી જેનાથી બાંગ્લાદેશના ક્રિકેટરો ગુસ્સે થયા છે અને તેમણે બીસીબી સમક્ષ નજમુલનું રાજીનામું માગ્યું છે. ભારત સાથે તકરાર પર ઊતરેલા નજમુલને ખુદ એના જ ક્રિકેટ બોર્ડે કારણદર્શક નોટિસ મોકલી છે જેના પર 48 કલાકમાં જવાબ આપવાનું તેમને કહેવામાં આવ્યું છે. બીસીબી ખેલાડીઓની પડખે ઊભા રહેવા મક્કમ છે.

AFP

નજમુલે કઈ અપમાનજનક ટિપ્પણી કરી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેકટર એમ. નજમુલ ઇસ્લામે બુધવારે એવી કમેન્ટ કરી હતી કે ` જો બાંગ્લાદેશ આવતા મહિને ભારત-શ્રીલંકામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લેશે તો બાંગ્લાદેશના ખેલાડીઓને કોઈ પણ વળતર મળવું જ ન જોઈએ (તેઓ એ વળતરને લાયક જ નથી), કારણકે તેમણે ક્રિકેટ બોર્ડને આ અભિગમ બદલ પૂરતું સમર્થન આપ્યું જ નથી. ઊલટાનું, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પાસેથી રિફન્ડ માગવું જોઈએ, કારણકે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં (આઇસીસી ઇવેન્ટ્સમાં) તેમનો પર્ફોર્મન્સ નબળો રહ્યો છે. તેઓ એક પણ આઇસીસી ઇવેન્ટ નથી જીતી શક્યા.’

કમિટીમાંથી નજમુલની હકાલપટ્ટી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નજમુલ ઇસ્લામને બીસીબીની નાણાકીય સમિતિના અધ્યક્ષસ્થાનેથી હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ખેલાડીઓના સંગઠને નજમુલને ડિરેકટરપદેથી નહીં હટાવાય ત્યાં સુધી દેશમાં ક્રિકેટની તમામ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા આપેલી ધમકીને પગલે લેવામાં આવ્યો હતો. ખેલાડીઓનું સંગઠન ક્રિકેટર્સ વેલ્ફેર અસોસિયેશન ઑફ બાંગ્લાદેશ (CWAB) તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો…બાંગ્લાદેશને આંચકો, આઇસીસીએ કહ્યું T20 વર્લ્ડ કપના કાર્યક્રમમાં કોઇ બદલાવ નહિ થાય

બીસીબીએ ગુરુવારે બપોરે જણાવ્યું હતું કે નજમુલ સામે એ લડી લેશે, પણ બીપીએલનો બહિષ્કાર કરવાનું બંધ કરો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button