સ્પોર્ટસ

અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશ ચેમ્પિયન: ફાઇનલમાં યુએઇને 195 રનથી કચડ્યું

દુબઇઃ બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી જીતી છે. રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે યુએઇને 195 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું. બાંગ્લાદેશના ઓપનર આશિકુર રહેમાન શિબલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રહેમાનને પ્લેયર ઓફ ધ સીરિઝ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવનાર યુએઇએ ટાઇટલ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહફૂઝુર રહમાનની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને 50 ઓવરમાં 282 રન કર્યા હતા.
આ પછી લક્ષ્યનો પીછો કરતી વખતે યુએઇની ટીમે માત્ર 45 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. તેની વિકેટો સતત પડતી રહી અને આખી ટીમ 24.5 ઓવરમાં માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મારૂફ મ્રિધા અને રૂહાનત બોરસને 3-3 જ્યારે મોહમ્મદ ઈકબાલ અને પરવેઝ રહમાને 2-2 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશના વિકેટકીપર આશિકુર રહમાન શિબલીએ માત્ર ફાઇનલમાં જ નહીં પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે ફાઇનલ મેચમાં 129 રનની ઇનિંગ રમી હતી. તેણે 149 બોલમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આશિકુર અને ચૌધરી રિઝવાન (60)એ બીજી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ આરિફુલ ઈસ્લામ (50) સાથે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. રિઝવાને 71 બોલમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આરિફુલે 40 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. યુએઇ તરફથી આયમન અહમદે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

આશિકુરે ટૂર્નામેન્ટની 4 ઇનિંગ્સમાં કુલ 249 રન ઉમેર્યા હતા. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરાયો હતો. તેના પછી પાકિસ્તાનના અઝાન અવૈસનું નામ છે, જેણે ટૂર્નામેન્ટની 4 મેચમાં 222 રન કર્યા હતા. ભારતના રાજ લિંબાણીએ 4 મેચમાં 12 વિકેટ ઝડપી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત