સ્પોર્ટસ

જાડેજા સાથે બાંગ્લાદેશનો બોલર મહમૂદ જાણી જોઈને ટકરાયો હતો કે શું?

ચેન્નઈ: ગુરુવારે અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશનો સૌથી સફળ બોલર હસન મહમૂદ એક તબક્કે રવીન્દ્ર જાડેજા સાથે અથડાઈ ગયા બાદ સમતોલપણું ગુમાતાં તેના પર જ પડ્યો હતો. જોકે બેમાંથી કોઈને પણ ઈજા નહોતી થઈ. આ ઘટનાનો વીડિયો જોતાં શંકા થઈ શકે કે મહમૂદ શું જાડેજા સાથે જાણી જોઈને ટકરાયો હતો અને પછી તેના પર પડ્યો હતો?

ભારતની છમાંથી ચાર વિકેટ લેનાર પેસ બોલર મહમૂદ એલબીડબ્લ્યૂની અપીલ કરતી વખતે પિચ પર પાછળની દિશામાં સામા છેડા સુધી ઊંધો દોડ્યો હતો. તેના આ વર્તનવાળો વીડિયો જોતાં એવું લાગતું હતું કે તે જાડેજા સાથે ટકરાવાના બદઇરાદાથી જ એટલે બધે દૂર સુધી ઊંધો દોડ્યો હતો.



આ ટક્કર બાદ બન્નેએ એકમેક સાથે હાથ મિલાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે બાંગ્લાદેશે ભારતના મોટા ભાગના ટૉપ-ઑર્ડરનો સફાયો કર્યો, પરંતુ યશસ્વી જયસ્વાલ (56 રન) ઘણો સમય ક્રીઝ પર ટકી રહ્યો હતો. ભારતે છ વિકેટે 339 રન બનાવ્યા હતા. રવિચન્દ્રન અશ્ર્વિન 102 રને અને જાડેજા 86 રન પર રમી રહ્યો હતો. બન્ને વચ્ચે ભારે માનસિક દબાણ વચ્ચે સાતમી વિકેટ માટે 195 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ પાકિસ્તાનને એની જ ધરતી પર 2-0થી હરાવીને ભારત આવી છે. મહમૂદે ગુરુવારે પહેલી ચારેય વિકેટ લીધી હતી. તેણે રોહિત શર્મા (6), શુભમન ગિલ (0), વિરાટ કોહલી (6) અને રિષભ પંત (39)ને આઉટ કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button