…તો આ દેશના નાગરિકો નહીં જોઈએ શકે આઈપીએલ- 2026 લીગ? જાણી લો શું છે આખો મામલો!

ક્રિકેટ એ માત્ર એક રમત જ નહીં પણ તે બે દેશો વચ્ચેના સંબંધોનું પ્રતિબિંબ પણ છે. પરંતુ ક્યારેક આ રમતમાં જ બે દેશ વચ્ચેનું વૈમનસ્ય પણ છતું થાય છે. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવની અસર ક્રિકેટ મેચ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર જોવા મળી રહી છે.
બાંગ્લાદેશી ક્રિકેટરને આઈપીએલમાંથી બહાર કરવાથી શરૂ થયેલો વિવાદ હવે એટલો આગળ વધી ગયો છે કે બાંગ્લાદેશમાં આઈપીએલના પ્રસારણ પર જ રોક લગાવવાની દિશામાં હિલચાલ થઈ રહી છે.
આપણ વાચો: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘર્ષણ વધતા અમેરિકા હરકતમાં આવ્યું: સરકાર સાથે વાતચીત કરી
શું છે આખો મામલો?
વાત કરીએ કે આખરે આખો મામલો શું છે એની તો બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલમાંથી બહાર કરવાથી શરૂ થયેલો આ વિવાદ હવે ક્રિકેટની પીચથી બહાર નીકળીને રાજકીય રંગે રંગાઈ ચૂક્યો છે.
જો આ વિવાદનો કોઈ ઉકેલ નહીં નીકળે તો એનો ખામિયાજો બાંગ્લાદેશી નાગરિકોને ભોગવવાનો વારો આવશે. ભારત-બાંગ્લાદેશના વધતા વિવાદને કારણે બાંગ્લાદેશે આઈપીએલ-2026 (IPL-2026)ના પ્રસારણ પર જ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આપણ વાચો: IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ અહીં જોઈ શકશો, જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11…
મુસ્તફિઝુર રહેમાન વિવાદ શું છે?
આખી મોકાણ ત્યારે મંડાઈ જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રીલીઝ કરે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંના ચાહકોએ બીસીસીઆઈના આ નિર્ણયને ખેલાડી સાથે કરવામાં આવેલા અન્યાય તરીકે જોઈ રહ્યા છે. પહેલાં સોશિયલ મીડિયાથી શરૂ થયો અને ત્યાર બાદ ધીરે ધીરે આ મુદ્દો બાંગ્લાદેશ સરકાર સુધી પહોંચી ગયો છે.
પ્રસારણ અધિકારો અને સરકારનો પ્રતિબંધ
બાંગ્લાદેશમાં આઈપીએલના પ્રસારણ અધિકારો હાલમાં સ્પોર્ટ્સ ચેનલ ટી-સ્પોર્ટ્સ પાસે છે. વાયાકોમ18 (Viacom18) સાથે થયેલી આ ડીલ 2027 સુધી માન્ય છે. તે છતાં, બાંગ્લાદેશ સરકારે આઈપીએલ ૨૦૨૬ના પ્રસારણ પર રોક લગાવી દીધી છે.
સરકારના કેટલાક સલાહકારોનું એવું માનવું છે કે જો બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હોય તો તેમના દેશમાં આ લીગનું પ્રસારણ કરવાની કોઈ જરૂર જ નથી.
આપણ વાચો: ચીન ભારતને ઘેરવા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બનાવી રહ્યું છે લશ્કરી મથકોઃ પેન્ટાગોનનો ખુલાસો
BCCI આ નિર્ણયમાં દખલ કરી શકે?
વાત કરીએ બીસીસીઆઈ આ બાબતે દખલગિરી કરી શકે કે કેમ એ વિશે તો આ સવાલનો જવાબ ‘ના’માં છે. બીસીસીઆઈનો અધિકાર માત્ર ભારત પૂરતો જ મર્યાદિત છે. જોકે, કોઈપણ દેશની સરકાર પોતાના સ્થાનિક કાયદા હેઠળ પ્રસારણ અટકાવી શકે છે.
બીસીસીઆઈ અન્ય દેશની સરકારને આ બાબતે કોઈ આદેશ આપી શકે નહીં. બીસીસીઆઈ જ નહીં પણ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ આ આખા મામલામાં દખલ કરી શકે તેમ નથી, કારણ કે આઈપીએલ એ ભારતની એક ડોમેસ્ટિક લીગ છે અને તે કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નથી.
કાયદાકીય લડત છે એક વિકલ્પ
જો બાંગ્લાદેશ સરકાર કોઈ નક્કર કારણ વગર આ પ્રસારણ પર પ્રતિબંધ મૂકે છે, તો બ્રોડકાસ્ટર્સ એટલે કે ટી-સ્પોર્ટ્સ અને વાયાકોમ18 કાયદાકીય રસ્તો અપનાવી શકે છે. કરોડો રૂપિયાની આ ડીલમાં કોન્ટ્રાક્ટ બ્રીચ કરવા બદલ વળતરની માંગણી કરવામાં આવી શકે છે. આ મામલો હવે માત્ર ક્રિકેટનો રહ્યો નથી, પરંતુ ઈન્ટરનેશનલ બિઝનેસ અને પોલિટીકલ રિલેશન્સનો બની ગયો છે.



