
ગ્વાલિયર: અહીં મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 14 વર્ષે ફરી યોજાયેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં ભારતે બાંગ્લાદેશને બૅટિંગ આપીને એને 127 રન સુધી સીમિત રાખ્યું હતું. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (3.5-0-14-3) અને લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-31-3)ની તેમ જ હાર્દિક પંડ્યા, દેશના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ અને વૉશિંગ્ટન સુંદરની એક-એક વિકેટના આક્રમણમાં બાંગ્લાદેશના બૅટર્સ માનસિક દબાણમાં આવી ગયા હતા.
મેહદી હસન મિરાઝ (35 અણનમ, 32 બૉલ, ત્રણ ફોર)નું યોગદાન ટીમમાં હાઈએસ્ટ હતું. કૅપ્ટન નજમુલ શૅન્ટોના 27 રન સેક્ધડ-હાઇએસ્ટ હતા.
વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ લઈને ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર કમબૅક કર્યું હતું. મયંક યાદવને આ મૅચથી ભારત વતી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો અને તેણે 420 આંતરરાષ્ટ્રીય મૅચોના અનુભવી 38 વર્ષીય મહમુદુલ્લા (એક રન)ની મૂલ્યવાન વિકેટ લઈને દરદાર પર્ફોર્મ કર્યું હતું. મયંકે કેટલાક બૉલ કલાકે 147 કિલોમીટરથી વધુ ઝડપે ફેંક્યા હતા. મહમુદુલ્લા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો પ્રથમ શિકાર બન્યો હતો.
બાંગ્લાદેશની નવમાંથી બે વિકેટ અર્શદીપે લીધી હતી અને 20મી ઓવરમાં પાંચમો બૉલ ફેંકતાં પહેલાં તેણે સાથી ખેલાડીઓને હરીફ ટીમની બાકીની એક વિકેટ (પોતાની ત્રીજી વિકેટ) પોતે હવે લઈ રહ્યો છે એવો ઇશારો કર્યો હતો અને એ જ બૉલમાં તેણે મુસ્તફિઝુર રહમાન (એક રન)ને ક્લીન બોલ્ડ કરી નાખ્યો હતો.
હાર્દિક પંડ્યા પણ ટીમમાં પાછો આવ્યો છે અને તેણે શૉરિફુલ ઇસ્લામનું ઑફ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું.
ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં પહેલી જ વાર ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ અને એ જોવા હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા અને સ્ટેડિયમ ફુલ-હાઉસ હતું.
એ પહેલાં, સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.