મુંબઈ: ફુલ-પૅક્ડ વાનખેડે સ્ટેડિયમમાં 30,000-પ્લસ પ્રેક્ષકોને મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલામાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુના મુખ્ય બૅટર વિરાટ કોહલી (ત્રણ રન)ની ફટકાબાજી તો નહોતી માણવા મળી, પણ રજત પાટીદાર (50 રન, 26 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (61 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) તેમ જ ખાસ કરીને દિનેશ કાર્તિક (53 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની આતશબાજીની મોજ જરૂર માણવા મળી હતી.
મુંબઈએ બૅટિંગ આપ્યા પછી બેન્ગલૂરુએ 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા. ‘બૂમ…બૂમ…’ની બૂમો વચ્ચે જસપ્રીત બુમરાહ 21 રનમાં કોહલી સહિતની પાંચ વિકેટ લેવામાં સફળ થયો હતો, પરંતુ પાટીદારે પરચો બતાવ્યા પછી કાર્તિકે કમાલ કરી હતી. તેણે બેન્ગલૂરુની 16મી ઓવરમાં (મઢવાલની બોલિંગમાં) વારંવાર ખૂબ જ સિફતથી અને કુશળતાપૂર્વક બૉલને સ્લિપની કૉર્ડનમાંથી બાઉન્ડરી લાઇન પર મોકલીને કરતબ બતાડી હતી. જોકે તેને જીવતદાન પણ મળ્યુંં હતું.
હજારો પ્રેક્ષકો તેની આ કરામતથી ખુશ થઈ ગયા હતા. એ ઓવરમાં કાર્તિકે કુલ ચાર ફોર ફટકારી હતી. એ ઓવરમાં 19 રન બન્યા હતા, પરંતુ વાનખેડેમાં અગાઉ ખૂબ સફળ થયેલા મઢવાલની 20મી ઓવર પણ ખર્ચાળ નીવડી હતી. એમાં કાર્તિકે ઉપરાઉપરી બૉલમાં 6, 6, 4 ફટકારીને ફરી 19 રન બનાવ્યા હતા. કાર્તિકના છેલ્લા નવ બૉલના રન આ મુજબ હતા: 1, 1, 6, 6, 0, 6, 6, 4, 1.
કાર્તિકે 2023ની આખી આઇપીએલમાં જેટલા રન બનાવ્યા એનાથી વધુ રન (53*) આ મૅચમાં બનાવ્યા. ટી-20ની એક ઇનિંગ્સમાં કોઈ બોલરે પાંચ વિકેટ લીધી હોય અને એ જ ઇનિંગ્સમાં ત્રણ બૅટરે 50-પ્લસ રન બનાવ્યા હોય એવું પહેલી જ વાર બન્યું. બીજું, પહેલી વાર ટી-20 ઇનિંગ્સમાં ત્રણ હાફ સેન્ચુરીની સાથે ત્રણ બૅટર્સના ઝીરો પણ નોંધાયા. મૅક્સવેલ, લૉમરૉર, વૈશાક શૂન્યમાં આઉટ થયા હતા.
બુમરાહે પાંચ વિકેટ, જ્યારે કૉએટ્ઝી, મઢવાલ, ગોપાલે એક-એક વિકેટ લીધી હતી. મઢવાલને એક વિકેટ 57 રનમાં પડી હતી.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ