વિમેન્સ પ્રીમિયર લીગ માટે બૅન્ગલૂરુ અને દિલ્હી શૉર્ટલિસ્ટ કરાયા

મુંબઈ: મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝન ૨૦૨૩માં માત્ર મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ હતી, પરંતુ આ વખતે બીસીસીઆઇએ નવા બે શહેરોને શૉર્ટલિસ્ટ કર્યા હોવાનું જાણવા
મળ્યું છે.
પહેલી જ સીઝનમાં અત્યંત લોકપ્રિય બની ગયેલી ડબ્લ્યુપીએલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ વખતની સીઝન ૨૨ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ સુધી રમાશે એવું હાલમાં નક્કી થયું હોવાનું મનાય છે.
એક જાણીતી વેબસાઇટને જાણવા મળ્યું હતું કે ડબ્લ્યુપીએલ-૨૦૨૪નો પ્રથમ તબક્કો બૅન્ગલૂરુમાં રમાશે, જ્યારે નૉકઆઉટ મુકાબલા સહિતની બીજા ભાગની મૅચો દિલ્હીમાં રમાશે. મહિલા ક્રિકેટરોની પાંચ ટીમવાળી આ ટુર્નામેન્ટની કુલ બાવીસ મૅચોને બે ભાગમાં (બે શહેરોમાં) વહેંચી દેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાવીસમી માર્ચથી આઇપીએલ-૨૦૨૪ શરૂ થશે એ પહેલાંથી જ આ બંને શહેરો (બૅન્ગલૂરુ અને દિલ્હી)ની પિચો મેન્સ ટીમો માટે ફ્રેશ રાખી શકાશે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે તાજેતરમાં જ કહ્યું હતું કે ડબ્લ્યુપીએલની બીજી સીઝનની મૅચો માત્ર એક રાજ્યમાં રાખવાનો અમારો વિચાર છે કે જેથી મૅચોના આયોજનની બાબતમાં કોઈ તકલીફ ન પડે.
જોકે બીસીસીઆઇએ નક્કી કર્યું હતું કે ડબ્લ્યુપીએલ માટે બે સ્થળ રાખવાનો વિકલ્પ સારો બની રહેશે. હવે સવાલ એ પણ છે કે બૅન્ગલૂરુના એક મોટા સ્થળ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ) અને દિલ્હીના એક મોટા સ્થળ (અરુણ જેટલી સ્ટેડિયમ)માં મૅચો રખાશે તો પ્રત્યેક સ્થળે સતત ૧૦થી વધુ દિવસ સુધી મૅચો રાખવી પડશે. અત્યાર સુધીમાં ક્યારેય આઇપીએલમાં કે ડબ્લ્યુપીએલમાં સતતપણે બે કરતાં વધુ દિવસ મૅચો નથી રમાઈ.