બજરંગ પુનિયા 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર, વિનેશની આશા હજી જીવંત
ભારતીય કુસ્તી ક્ષેત્રના એક સમાચારે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. 2024 પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોઈ રહેલા બજરંગ પુનિયાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 2020 ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા 2024 ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગયા છે.
બજરંગ પુનિયા ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરવામાં અગ્રેસર હતા. તેમને પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રાની સેમિફાઇનલમાં રોહિત કુમાર સામે 1-9થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે વાત કરીએ વિનેશ ફોગાટની. વિનેશ પણ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં ઉતરી હતી. વિનેશને 53 કિગ્રા વર્ગની સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 50 કિગ્રા વર્ગમાં જીત મેળવીને તેણે પેરિસ ઓલિમ્પિકની ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હકીકતમાં કુસ્તીબાજને એક જ દિવસે એક વજન કેટેગરીમાં ભાગ લેવાની મંજૂરી આપી શકાય છે, પરંતુ વિનેશ બે અલગ-અલગ વજન કેટેગરીમાં ટ્રાયલમાં જોવા મળી હતી, જેમાં 53 કિ.ગ્રા.વર્ગની સેમિફાઇનલમાં તેની હાર થઇ હતી, પણ 50 કિગ્રા વર્ગમાં તેણે જીત મેળવતા ઑલિમ્પિકમાં ભાગ લેવાની તેની આશા જીવંત રહી છે. નોંધનીય છે કે પોતાની વિવિધ માંગ લઇને વિરોધ પ્રદર્શન પર બેઠેલા રેસલર્સની એક માગણી એ પણ હતી કે તેમને ઑલિમ્પિક ટ્રાયલ્સમાં કે નેશનલ લેવલની રમતમાં ભાગ લેવાની ફરજ ના પાડવામાં આવે અને સીધા ઑલિમ્પિકમાં રમવાની તક મળે. તેમની આ માગણીને જોકે ઠુકરાવી દેવામાં આવી હતી.