ઑલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ બજરંગ પુનિયા ફરી સસ્પેન્ડ, જાણો આખો મામલો શું છે
નવી દિલ્હી: ભારતના ઑલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ બજરંગ પુનિયાને નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)એ ફરી સસ્પેન્ડ કર્યો છે અને નોટિસ મોકલી છે.
ગઈ 10મી માર્ચે પુનિયાએ સોનીપત ખાતેની ટ્રાયલ દરમ્યાન નાડાને ડ્રગ્સ સંબંધિત તપાસ માટે યુરિનના સૅમ્પલ્સ આપવાનો ઇનકાર કર્યો હતો જેને પગલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને નોટિસ (નોટિસ ઑફ ચાર્જ) નહોતી મોકલવામાં આવી એટલે શિસ્તભંગ પગલાં લેતી સમિતિએ પુનિયાનું સસ્પેન્શન પાછું ખેંચી લીધું હતું.
આ પણ વાંચો: કુસ્તીબાજ બજરંગ પુનિયા કઈ સામસામી આક્ષેપબાજીમાં સસ્પેન્ડ કરાયો?
જોકે હવે નાડાએ પુનિયાને નોટિસ મોકલવાની સાથે તેનું સસ્પેન્શન ફરી રદ કર્યું છે અને નોટિસનો 11મી જુલાઈ સુધીમાં જવાબ આપવા તેને કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બજરંગ પુનિયા 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર, વિનેશની આશા હજી જીવંત
પુનિયાના વકીલ વિષ્ણુપક સિંઘાણિયાએ કહ્યું હતું કે ‘અમને નોટિસ મળી છે અને અમે એનો જવાબ જરૂર આપીશું. અમે અગાઉની સુનાવણી દરમ્યાન પણ હાજર રહ્યા હતા. પુનિયાએ કંઈ જ ખોટું નહોતું કર્યું એટલે અમે આ લડાઈ લડીશું જ.’
નાડાએ નોટિસમાં જણાવ્યું છે કે ‘નાડાના ડીસીઓ તરફથી તમને ડોપ-ટેસ્ટ માટે યુરિન સૅમ્પલ્સ આપવાનું કહેવામાં આવ્યું હતું અને તમને અનેક વાર અનુરોધ કરાયા હોવા છતાં તમે સૅમ્પલ્સ નહોતા મોકલ્યા. તમે કહ્યું હતું કે નાડાના અધિકારીઓ તમારા સૅમ્પલ્સ માટે એક્સપાયરી ડેટ પછીના કિટ્સ (નકામા થયેલા) લઈને આવ્યા હતા એટલે જ્યાં સુધી તમારા ઇ-મેઇલનો જવાબ નહીં આપે ત્યાં સુધી તમે યુરિનના સૅમ્પલ્સ નહીં આપો. લગભગ બે મહિના પહેલાં તમારા સૅમ્પલ્સ અમે માગ્યા હતા અને એ સાથે નાડાએ તમને સૅમ્પલ્સ આપવાનો ઇનકાર કરવા બદલ શું પરિણામો આવી શકે એ બાબતમાં પણ તમને વાકેફ કર્યા હતા. તમારા પર ઍન્ટિ ડોપિંગ નિયમ, 2021ની કલમ 2.3નો ભંગ કરવાનો આરોપ છે.’