સ્પોર્ટસ

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં પ્રણયનું નિરાશાજનક પ્રદર્શન, પ્રથમ રાઉન્ડમાં હારીને ટુનામેન્ટની બહાર…

નિંગબો (ચીન): ભારતના ટોચના શટલર એચએસ પ્રણયને અહીં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપના પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ચીનના ઝુ ગુઆંગ લ્યૂ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહેલા પ્રણયનો એક કલાક અને આઠ મિનિટ ચાલેલી મેચમાં તેના ચીની હરિફ ખેલાડી સામે 16-21, 21-12, 11-21થી પરાજય થયો હતો.

જોકે, કિરણ જ્યોર્જે કઝાકિસ્તાનના દિમિત્રી પનારિનને 35 મિનિટમાં 21-16, 21-8 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલા સિંગલ્સમાં આકર્ષી કશ્યપ અને અનુપમા ઉપાધ્યાય પણ પોતપોતાની મેચ હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.

આકર્ષી વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી ચીનની હેન યુઈ સામે 31 મિનિટમાં 13-21, 7-21થી હારી ગઈ જ્યારે અનુપમા વિશ્વની 13મી ક્રમાંકિત થાઈલેન્ડની રતચાનોક ઇન્તાનોન સામે 36 મિનિટમાં 13-21, 14-21થી હારી ગઈ હતી.

મહિલા ડબલ્સમાં પ્રિયા કોનજેંગબામ અને શ્રુતિ મિશ્રાની જોડીને ચાઇનીઝ તાઈપેઈની શુઓ યુન સુંગ અને ચિએન હુઈ યુ સામે 35 મિનિટમાં સીધી ગેમમાં 11-21, 13-21 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેન્સ ડબલ્સમાં હરિહરન અમસાકરુનન અને રુબન કુમાર રેથિનાસભાપતિને શ્રીલંકાની મધુકા દુલાનજાના અને લાહિરુ વીરાસિંઘુની જોડીએ માત્ર 19 મિનિટમાં 21-3, 21-12થી હરાવી હતી. જોકે, પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને સાઈ પ્રતીક કે ની ભારતીય જોડીનો ચીઉ સિયાંગ ચીહ અને વેંગ ચિન લિનની જોડી સામે 19-21, 12-21થી પરાજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button