Bad Luck: ઈન્ડિયન ફૂટબોલ ટીમ એએફપી એશિયન કપમાંથી બહાર
અલ ખોર (કતાર): ભારતીય ફૂટબોલ ટીમ મંગળવારે એએફસી એશિયન કપમાં સીરિયા સામે હારી ગઈ હતી. આ ટીમની ગ્રુપમાં ત્રીજી અને છેલ્લી મેચ હતી. સિરિયાએ ભારતને 1-0થી હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે ગ્રુપ બીમાં સૌથી નીચા ચોથા સ્થાને રહી હતી. ટીમ ઈન્ડિયાને એક પણ જીત મળી નથી. સિરિયા તરફથી મેચનો એકમાત્ર ગોલ ઉમર ખરીબિને કર્યો હતો.
ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ભારતે વિશ્વની 91 નંબરની ટીમ સિરિયાને કોઈ પણ ભોગે હરાવવાની હતી. ડ્રો અને હાર સાથે ભારતીય ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ હોત. જેની આશંકા હતી તે થયું. ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ચાહકો માટે સૌથી દુઃખદ વાત એ હતી કે ટીમ ટુર્નામેન્ટમાં એક પણ ગોલ કરી શકી નહોતી.
તમામ ગ્રુપની ટોચની બે ટીમો અંતિમ-16માં પ્રવેશ કરશે, જ્યારે ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેનારી શ્રેષ્ઠ ચાર ટીમો પણ અંતિમ-16માં પ્રવેશ કરશે. ત્રણ મેચમાં ભારતીય ટીમની ગોલ એવરેજ ઘણી નબળી રહી હતી.
ભારતીય ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત સીરિયાને હરાવી ચૂકી છે. તેણે 2007, 2009 અને 2012માં આ ટીમ સામે નેહરુ કપ જીત્યો હતો. 2019માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં બંને વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી હતી. આ વખતે આશા હતી કે ટીમ ઈન્ડિયા ચમત્કાર કરશે, પરંતુ નિરાશા હાથ લાગી હતી.
આ ટુર્નામેન્ટમાં સિરિયાએ ઉઝબેકિસ્તાન સાથે 0-0થી ડ્રો રમી હતી અને ઓસ્ટ્રેલિયા સામે 0-1થી હાર મળી હતી. આ સાથે જ તેણે ભારતને 1-0થી હરાવ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમને પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 2-0થી હરાવ્યું હતું. જ્યારે ઉઝબેકિસ્તાને ભારતને 3-0થી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં સિરિયા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.