T20 World Cup : પાકિસ્તાનના આ છ ભયભીત ખેલાડી સીધા ઘરભેગા નહીં થાય?

કરાચી: પાકિસ્તાન (Pakistan)ના ક્રિકેટરો કોઈ મોટી ટૂર્નામેન્ટમાં સારું ન રમે, ખાસ કરીને ભારત સામે તેમની નાલેશી થાય એટલે પાકિસ્તાની ખેલાડીઓ પર ભૂતપૂર્વ પ્લેયર્સ ટીકાનો વરસાદ વરસાવે અને છેવટે તેઓ વીલા મોઢે પાછા આવે એટલે ઉદાસીન જાહેર જનતા પણ તેમને વખોડવા કંઈ જ બાકી ન રાખે. આવું વર્ષોથી ચાલ્યા કરે છે અને આ વખતે પણ થઈ રહ્યું છે. અમેરિકા જેવી ક્રિકેટની દુનિયાની નાની ટીમ સામે સુપર ઓવરમાં હારી ગયા બાદ ભારત સામે ટી-20 વર્લ્ડ કપમાં સાતમો પરાજય સહન કરનાર પાકિસ્તાની ટીમના ખેલાડીઓ છેલ્લે આયરલૅન્ડ સામે માંડ માંડ જીત્યા અને હવે સ્વદેશ પાછા જવાની તૈયારીમાં છે. જોકે એવી ચર્ચા છે કે તેમનામાંથી છ પ્લેયર કદાચ સીધા પાકિસ્તાન નહીં જાય.
આ ટૂર્નામેન્ટની ટોચની આઠ ટીમ સુપર-એઇટમાં નસીબ અજમાવશે ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ ભયભીત હાલતમાં ઘર ભેગા થવાની તૈયારીમાં વ્યસ્ત બનશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કૅપ્ટન બાબર આઝમ અને બીજા પાંચ પાકિસ્તાની ખેલાડી તાબડતોબ સ્વદેશ પાછા નહીં જાય. તેઓ લંડનમાં થોડા દિવસ રહ્યા પછી પાકિસ્તાન ભેગા થશે.
કહેવાય છે કે મોહમ્મદ આમિર, ઇમાદ વસીમ, હારિસ રઉફ, શાદાબ ખાન અને (મોઇન-પુત્ર) આઝમ ખાને ક્રિકેટમાંથી નાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે અને ફૅમિલી-ફ્રેન્ડ્સ સાથે થોડા દિવસ માટે અમેરિકાથી લંડન જશે.
આ પણ વાંચો : T20 World Cup: ન્યૂ ઝીલૅન્ડના વર્લ્ડ-ક્લાસ બોલરની જાહેરાત, ‘આ મારો છેલ્લો ટી-20 વર્લ્ડ કપ છે’
અગાઉ તેમના માટેની કેટલીક નિરાશાજનક ટૂર્નામેન્ટ વખતે એવા અહેવાલ મળ્યા હતા કે કેટલાક ખેલાડીઓ સીધા પાકિસ્તાન જવાને બદલે દુબઈ થઈને સ્વદેશ પાછા આવ્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપેલી સહમતી મુજબ હેડ-કોચ ગૅરી કર્સ્ટન અને સહાયક કોચ અઝહર મહમૂદ પણ પોતાના દેશમાં પાછા જશે.
બાબર આઝમની ટીમ કૅનેડા અને આયરલૅન્ડ સામે જીતી એ બદલ ગ્રૂપ-એમાં ત્રીજા નંબર પર રહી, પરંતુ સુપર-એઇટમાં જવા માટે એ પૂરતું નહોતું. આ ગ્રૂપમાંથી ભારત અને અમેરિકા સુપર-એઇટમાં ગયા છે.
હવે બાબરને કૅપ્ટનપદે જાળવી રાખવામાં આવશે કે કેમ એ નક્કી નથી. તેણે એનો નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર છોડ્યો છે.