સિડનીમાં બાબર આઝમે આ કામ કરીને લોકોનું દિલ જીતી લીધું…

સિડનીઃ સામાન્ય રીતે સ્ટેડિયમમાં મૅચના દિવસે ક્રિકેટરને મળવાનો તો શું તેની નજીક જવાનો મોકો પણ ચાહકોને મળતો નથી હોતો એટલે ક્યારેક કોઈક ક્રિકેટપ્રેમીઓ મૅચ પહેલાંની પ્રૅક્ટિસ વખતે તેમને મળી લેવાની તક ઝડપી લેતા હોય છે. તાજેતરમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે ત્યારે પ્રેક્ટિસ સેશન દરમિયાન બાબર આઝમની એક હરકતને કારણે ક્રિકેટના ચાહકોનું પણ દિલ જીત લીધું હતું.
સિડનીમાં બુધવારે ઑસ્ટ્રેલિયા સામેની જે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ એ માટે મંગળવારે પ્રૅક્ટિસ કરવા પાકિસ્તાનના ખેલાડીઓ એસસીજી (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ) પર ગયા હતા. ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ ખૂબ બૅટિંગ કરીને થાકીને લોથપોથ થઈ ગયો હતો, પરંતુ બાઉન્ડરી લાઇનની નજીક ઊભેલા કેટલાક ચાહકોને જોઈને તેનો થાક જાણે થોડો ઉતરી ગયો હતો.
ચાહકો બાબરની બાજુમાં ઊભા રહીને સેલ્ફી લેવા માગતા હતા. બાબરે તેમની એ ઇચ્છા તો પૂરી કરી અને પછી એક બાળકી સાથે ઊભા રહીને ફોટો પડાવ્યો ત્યારે બાળકીના પૅરેન્ટ્સે બાબરને કહ્યું કે તેમની દીકરી બહુ સારું ક્રિકેટ રમે છે અને એટલે જ તેઓ ઑસ્ટ્રેલિયામાંથી પાકિસ્તાનમાં રહેવા જવા વિચારે છે કે જેથી કરીને તેમની પુત્રી પોતાની ગેમ ડેવલપ કરીને પાકિસ્તાન ક્રિકેટમાં યોગદાન આપી શકે. આ સાંભળીને બાબરે પેલી બાળકીને પોતાના ગ્લવ્ઝ ગિફ્ટ કરી દીધા હતા જેનાથી બાળકી ખુશખુશાલ થઈ ગઈ હતી. 12 વર્ષની બાળકીને બાબર ગ્લવ્ઝની ભેટ આપી રહ્યો હોય એ વિડિયો વાયરલ થયો છે.