બાબરનો ચાહક ડ્રેસિંગ-રૂમની બાલ્કનીમાં આવી ચડ્યો, હેડ-કોચ અઝહર મહમૂદે તરત સિક્યૉરિટી ગાર્ડને બોલાવ્યા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બાબરનો ચાહક ડ્રેસિંગ-રૂમની બાલ્કનીમાં આવી ચડ્યો, હેડ-કોચ અઝહર મહમૂદે તરત સિક્યૉરિટી ગાર્ડને બોલાવ્યા

લાહોરઃ 2009માં શ્રીલંકન ટીમ પરના આતંકવાદીઓના ઘાતક હુમલાને લીધે વિશ્વભરમાં બદનામ થયેલા લાહોર (Lahore)ના ગદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે વિચિત્ર, શૉકિંગ અને હાસ્યાસ્પદ બનાવ બની ગયો જેમાં એક ટીનેજર (TEENAGER) તેના હીરો બાબર આઝમને મળવા પાકિસ્તાની ટીમના ડ્રેસિંગ રૂમની બાલ્કની (Balcony) સુધી પહોંચી ગયો હતો જેને પગલે સિક્યૉરિટી ગાર્ડને તાકીદ કરીને આ ટીનેજરને પકડી લેવામાં આવ્યો હતો. તેને થોડી વાર બાદ ઠપકો આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.

અફઘાન સાથેના યુદ્ધને પગલે વધુ સલામતી

આ ઘટના બુધવારે પાકિસ્તાને ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં હરાવ્યું એને પગલે બની હતી. થોડી વાર માટે ડ્રેસિંગ રૂમમાં અને એની આસપાસ બધા સાવચેત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સરહદ પર પાકિસ્તાનના સૈનિકો અને અફઘાનિસ્તાનના તાલિબાની સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ ઘટના સૌને ચોંકાવી દેનારી છે.

આપણ વાંચો: ICCએ નવી T20 રેન્કિંગ જાહેર કરી! યશસ્વી જયસ્વાલને રમ્યા વિના ફાયદો, બાબર આઝમને મોટું નુકશાન…

ઓવૈસ નામનો આ યુવાન સલામતી કવચ ભેદીને ઉપર ચડીને પાકિસ્તાની ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં પહોંચી ગયો હતો. હેડ-કોચ અઝહર મહમૂદ તેમ જ ટીમ સાથે સંકળાયેલા બીજા અધિકારીઓ આ ટીનેજરને ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં ઊભેલો જોઈને ચોંકી ગયા હતા. મહમૂદે તરત સલામતી રક્ષકની ટીમને વાકેફ કરી હતી.

બર્થડે બૉય બાબરને મળવા આવ્યો હતો

બુધવાર, 15મી ઑક્ટોબરે બાબર આઝમનો જન્મદિન હતો. તે 31 વર્ષનો થયો છે. ટીનેજરને સલામતી અધિકારીએ પકડ્યો ત્યારે તેણે કહ્યું કે તે બર્થડે બૉય બાબરને મળવા ડ્રેસિંગ રૂમ સુધી આવ્યો છે.

જોકે અધિકારી તેને તરત જ પૂછપરછ માટે ગુલબર્ગ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાં તેની સઘન પૂછપરછ કરાઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટીનેજર વિરુદ્ધ કોઈ જ ફરિયાદ નહીં નોંધાવાય એવું જણાવતાં પોલીસે ટીનેજરને ઠપકો આપીને છોડી દીધો હતો.

આપણ વાંચો: શું બાબર આઝમે પહલગામ હુમલાના મુદ્દે પાકિસ્તાન આર્મીને વખોડી? પોસ્ટ વાઇરલ થઈ છે…

બાબરની બૅટિંગ જોવા લોકો કૅપ્ટનની વિકેટથી ખુશ

પાકિસ્તાન ક્રિકેટમાં હંમેશાં થોડા થોડા સમયે કંઈકને કંઈક વિચિત્રતા જોવા મળતી જ હોય છે અને રવિવારે એવી એક ઘટના બની જે વિશ્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓને ચોંકાવી શકે.

વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં રવિવારે પહેલા દિવસે પાકિસ્તાનનો કૅપ્ટન શાન મસૂદ લડાયક 76 રનના પોતાના સ્કોર પર સ્પિનર સુબ્રાયેનના બૉલમાં એલબીડબ્લ્યૂની અપીલમાં આઉટ અપાયો એ સાથે મોટા ભાગના પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા! શાન મસૂદે પાકિસ્તાનને મોટી મુસીબતમાંથી બચાવ્યું હતું.

જોકે શાન મસૂદ આઉટ થતાં મોટા ભાગના પ્રેક્ષકોએ ચિયર-અપ કર્યું હતું, કારણકે મસૂદની વિકેટ પડતાં પાકિસ્તાનીઓનો લાડલો બાબર આઝમ બૅટિંગમાં આવવાનો હતો. જોકે બાબર માત્ર 23 રન કરીને સ્પિનર સાઇમન હાર્મરના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ જતાં તેના ચાહકો નિરાશ થયા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button