બાબર આઝમની પાકિસ્તાનની ટીમમાંથી હકાલપટ્ટી, ખરાબ ફોર્મનો કરી રહ્યો છે સામનો

કરાચીઃ ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા પાકિસ્તાનના અનુભવી બેટ્સમેન બાબર આઝમને ટેસ્ટ ટીમમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. બાબર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં ફ્લૉપ ગયા બાદ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પણ નિષ્ફળ ગયો હતો. જેને લઈ હવે તેને બીજી અને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બાબર ઉપરાંત શાહીન શાહ અફ્રિદી અને નસીમ શાહને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
બાબર આઝમ 2023થી ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કમાલ બતાવી શક્યો નથી. છેલ્લા 22 મહિનામાં એક અડધી સદી પણ ફટકારી શક્યો નથી. જાન્યુઆરી 2023થી અત્યાર સુધી બાબર આઝમ 9 ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો રહ્યો છે. આ દરમિયાન તેણે માત્ર 20.7 સરેરાશથી 352 રન બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર 41 રન રહ્યો છે. આમાંથી ચાર ટેસ્ટ તો પાકિસ્તાન તેના ઘરઆંગણે જ રમ્યું છે, છતાં અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી. ગત વર્ષે વર્લ્ડકપ બાદ બાબતે આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
આ પણ વાંચો : PAK vs ENG: બાબર આઝમના કરિયરનો અંત! બીજી ટેસ્ટ માટે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો…
શાહીન અફ્રિદીને પણ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, ઈંગ્લેન્ડ સામે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન અપાયું હતું. પરંતુ હવે તેને પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ સિવાય યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ અને અનુભવી વિકેટકિપર બેટ્સમેન સરફરાઝ ખાન પણ બીજી અને ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમનો હિસ્સો નથી. સ્પિનર અબરાર અહમદ પણ બાકીની બંને ટેસ્ટ ગુમાવશે.
બાબર આઝમની કેવી છે ટેસ્ટ કરિયર
29 વર્ષીય બાબર આઝમે 2016માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. 54 ટેસ્ટની 98 ઈનિંગમાં તેણે 9 વખત નોટ આઉટ રહીને 3962 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 196 રન છે. ટેસ્ટમાં તેણે 9 સદી અને 26 અડધી સદી ફટકારી છે.
ઈંગ્લેન્ડ સામે બાકીની બે ટેસ્ટ માટે પાકિસ્તાનની ટીમ
શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, હસીબુલ્લાહ (વિકેટકિપર), કામરાન ગુલામ, મેહરાન મુમતાઝ, મીર હમઝા, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (વિકેટકિપક), નોમાન અલી, સૈમ અયુબ, સાજિદ ખાન, સલમાન અલી આગા, ઝાહિદ મેહમૂદ