બાબરે ફક્ત ચાર રન બનાવીને પણ વિરાટ-રોહિત જેવો આ કીર્તિમાન રચી દીધો
પાકિસ્તાનનો પ્રથમ દાવ 211 રનમાં સમેટાઈ ગયો
સેન્ચુરિયનઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમે અહીં સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ દાવમાં ફક્ત ચાર રન બનાવીને આઉટ થયો હતો એમ છતાં તે ટેસ્ટની રેકૉર્ડ-બુકમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની હરોળમાં આવી ગયો હતો. ગુરુવારે બાબરે ત્રીજો રન બનાવ્યો એ સાથે ટેસ્ટમાં તેના 4,000 રન પૂરા થયા હતા. ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં 4,000 રન બનાવનાર બાબર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ત્રણેય ફૉર્મેટમાં 4,000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. બાબરે 56 ટેસ્ટમાં 4,000 રન કર્યા છે. બાબરના 123 વન-ડેમાં 5,957 રન અને 128 ટી-20માં 4,223 રન છે.
વિરાટ અને રોહિતના નામે ત્રણેય ફૉર્મેટમાં આ મુજબ રન છેઃ
વિરાટ કોહલી (121 ટેસ્ટમાં 9166 રન, 295 વન-ડેમાં 13906 રન અને 125 ટી-20માં 4188 રન). રોહિત શર્મા (66 ટેસ્ટમાં 4289 રન, 265 વન-ડેમાં 10866 રન અને 159 ટી-20માં 4231 રન). ટૂંકમાં, જે કામ ક્રિકેટજગતમાં માત્ર વિરાટ અને રોહિત કરી શક્યા હતા એ યાદીમાં હવે બાબરનો પણ સમાવેશ થયો છે.
Also read: બાબર આઝમ વિરાટ કોહલી કરતાં મોંધુ બેટ વાપરે છે! જાણો બંનેની કિંમત
ગુરુવારે પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકા સામે પ્રથમ દાવમાં ફક્ત 211 રનમાં આઉટ થઈ ગઈ હતી. એમાં કામરાન ગુલામના 54 રન હાઇએસ્ટ હતા. સાઉથ આફ્રિકાના પેસ બોલર ડેન પૅટરસને સૌથી વધુ પાંચ વિકેટ અને 30 વર્ષની ઉંમરના નવા પેસ બોલર કૉર્બિન બોશ્ચે ચાર વિકેટ લીધી હતી. માર્કો યેનસેનને એક વિકેટ મળી હતી, પરંતુ કૅગિસો રબાડા વિકેટ વિનાનો રહ્યો હતો. પાકિસ્તાને આ ટેસ્ટ-મૅચ પહેલાંની વન-ડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી, જ્યારે એ અગાઉ સાઉથ ટી-20 શ્રેણી 2-0થી જીતી લીધી હતી.